ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ક્યા ટોચના અધિકારી વિશે કહ્યું, દેશમાં આવા કેટલા બુધ્ધિના લઠ્ઠ...........થઈને બેઠા છે.....
કલેક્ટરની ચેમ્બરમાં રકઝક બાદ મેવાણીએ બહાર આવીને જિલ્લા કલેક્ટર પર આક્ષેપ કર્યો કે, કલેક્ટરને પીએસઆઈ સામે કયો ગુનો નોંધાયો છે તેની માહિતી નથી.
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રના ઘોઘાના સાણોદરના દલિત આધેડ અમરાભાઈ બોરિયાની હત્યાનો મુદ્દો બરાબરનો ગાજ્યો છે. વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે ઘોઘાના PSIની ધરપકડની માગ કરી છે અને વિધાનસભામાં પણ તેમણે આ મુદ્દાને ગજવ્યો હતો.
આ મુદ્દે ભાવનગરના કલેક્ટરને રજૂઆત કરવા આવેલાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કલેક્ટર વચ્ચે શનિવારે ભારે બોલાચાલી થઈ હતી. મેવાણીએ કલેક્ટર કચેરીની બહાર જ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સામે ઉગ્ર ભાષામાં આકરા પ્રહારો કર્યા હતા. કલેક્ટરને કોઈ માહિતી નહીં હોવાનો આક્ષેપ કરીને મેવાણીએ જાહેરમાં એવું કહ્યું હતું કે, આવા કેટલા બુદ્ધિના લઠ્ઠ આખા દેશમાં કલેક્ટર થઈને બેઠા છે એ જ ખબર પડતી નથી ઘોઘાના સાણોદર ગામે 20 દિવસ પહેલાં દલિત આધેડ અમરાભાઈ બોરિચાની હત્યાના કેસમાં ફરજમાં બેદરકારી બદલ નોંધાયેલા ગુનાને મુદ્દે ઘોઘાના પીએસઆઈની તાકીદે ધરપકડ કરવાની માગ સાથે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવેદન આપવા હાજર રહ્યા હતા. મૃતકના પરિવારજનો અને દલિત આગેવાનો સાથે કલેક્ટરની ચેમ્બરમાં આવેદન આપતી વેળાએ ધારાસભ્ય મેવાણી અને જિલ્લા કલેક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉગ્રતા વ્યાપી ગઈ હતી.
કલેક્ટરની ચેમ્બરમાં રકઝક બાદ મેવાણીએ બહાર આવીને જિલ્લા કલેક્ટર પર આક્ષેપ કર્યો કે, કલેક્ટરને પીએસઆઈ સામે કયો ગુનો નોંધાયો છે તેની માહિતી નથી. આ ઉપરાંત તેમણે એટ્રોસિટી એક્ટના નિયમોનુસાર પીડિત પરિવારને મળી જાનમાલને નુકસાનની માહિતી મેળવવા પ્રયાસ કર્યો નથી. કલેક્ટર કે તેમના તાબાના અધિકારીએ પ્રયાસ કર્યો નથી. આ ઉપરાંત સ્થળ પર જઈ કરવાની થતી કાયદાકીય પ્રક્રિયા પણ કરી નથી. આ તકે તેમણે માગણ કરી કે, કલેક્ટરને ગાંધીનગરથી સૂચના આપવામાં આવે કે મૃતકના પરિવારને તાકિદે પોલીસ રક્ષણ આપવામાં આવે. જો કલેક્ટરની આમ કરવાની તૈયારી ન હોય તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ એવું પણ મેવાણીએ કહ્યું હતું.