Salangpur controversy : હનુમાનજી અને ઘનશ્યામ મહારાજની તુલના કેમ શક્ય નથી? ધર્મ,તર્ક અને કારણોથી સમજો
સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઇને રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે જાણીતા ધર્મવિદ જ્યોતિષાચાર્ય ચેતન પટેલે ધર્મ, તર્ક અને કારણો આપની સમજાવ્યું છે કે, ઘનશ્યામ મહારાજ સ્વામી અને હનુમાનજીની તુલના કરવી શા માટે અયોગ્ય છે?
Salangpur controversy :સાળંગપુર હનુમાનજીના પ્રસિદ્ધ મંદિરમાં હનુમાનજીના અપમાનના કારણે સતત વિરોધ અને વિવાદનું વાતાવરણ સર્જાયું છે. સમગ્ર મામલા વિશે વાત કરીએ તો મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં હનુમાનજીને નીલકંઠવર્ણી મહારાજને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો વિરોધ અનેક સાધુ સંતો, લોક કલાકારો સહિત અનેક લોકો કરી રહ્યા છે. આ વિવાદ પર જાણીતા ધર્મવિદ ચેતન પટેલે પણ તેમને વિચાર રજૂ કર્યાં છે અને હનમાનજીની હિન્દુ ધર્મમાં શું મહતા છે તે સમજાવ્યું છે.
આ ત્રણ કારણો જાણશો, તો ખ્યાલ આવશે કે, હનુમાનજી અને ઘનશ્યામ મહારાજની તુલના ક્યારે પણ ન થાય, આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના જાણીતા ધર્મવિદ ચેતન પટેલે જણાવ્યું કે,જે લોકો હનુમાનજીને નીચા દેખાડે છે તેમણે જાણવું જોઈએ હનુમાનજી કોણ છે?
સૌથી પહેલું કારણ હનુમાનજી ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર છે, હનુમાનજીનો જન્મ રામાયણકાળમાં એટલે કે, ત્રેતા યુગમાં આજથી લગભગ આઠ લાખ 81 હજાર વર્ષ પહેલા થયો હતો. અને આજે પણ હનુમાનજી આપણી વચ્ચે છે કેમકે તે એક જાગૃત દેવતા છે. તેઓ સપ્ત ચિરંજીવી પૈકીના ચિરંજીવી છે.
હનુમાનજી કળયુગના જાગૃત દેવતા અને શીઘ્ર પસન્ન થતાં દેવતા છે. આજે પણ લોકોને તેની અનુકૃપાની અનુભૂતિ થતી હોય તેવા અને ઉદાહરણ સામે આવે છે. હનુમાનજીની સ્વરૂપ અને શક્તિ અમાપ છે, જેની તુલના સંસારમાં કોઈની સાથે થઈ શકે તેમ નથી.
બીજું કારણ એ છે કે,સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભીંત ચિત્રોમાં બતાવેલ છે કે હનુમાનજી ઘનશ્યામ મહારાજના ચરણોમાં બેઠેલ છે, તે અશોભનીય છે.
આપણે જો ઘનશ્યામ મહારાજની વાત કરીએ તો તેમનો જન્મ 3 એપ્રિલ 1781માં ઉત્તરપ્રદેશના છપૈયામાં થયો હતો, જેને આજથી 242 વર્ષ થયા, તેઓ પણ હિન્દુ જ હતા અને માનવામાં આવે છે કે, તેમના ઇષ્ટદેવ હનુમાનજી અને લક્ષ્મી નારાયણ, રામ-સીતા હતા, એવું ચોક્કસ કહી શકાય કે તે એક દૈવી પુરૂષ હતા.તેમના અનેક સત્કાર્યોએ તેમને ઈશ્વર તુલ્ય બનાવ્યા હતાં.આજે જો ઘનશ્યામ મહારાજ સ્વયં હાજર હોત તો તેમને પણ આ પ્રકાર નું ચિત્રણ ન જ ગમ્યું હોત .
ત્રીજું અને મુખ્ય કારણ હનુમાનજીના ઇસ્ટ દેવની વાત કરીએ તો હિન્દુ ધર્મના તમામ સાહિત્યમાં ગ્રંથોમાં હનુમાનજીના ઇષ્ટદેવ કેવળ ભગવાન શ્રીરામને બતાવ્યા છે અનેક ધાર્મિક ગ્રંથોમાં કોઈપણ પ્રસંગમાં કે કોઈપણ કાળમાં હનુમાનજી ભગવાન શ્રીરામને જ પોતાના ઈષ્ટદેવ માને છે.
અને ગ્રંથો અનુસાર તેમનું વચન છે કે, સદા ને માટે રામ જ તેમના ઈષ્ટદેવ રહેશે અને શ્રીરામ ભક્તો પર તેમની અપાર કૃપા રહેશે આજે પણ લોકો આ વાતનો અનુભવ કરી રહ્યા છે એટલે હનુમાનજી અન્ય કોઈને પોતાના ઇષ્ટ માને તે ખોટું અને ઉપજાવી કાઢેલું છે,
દુઃખ સાથે કહેવું પડે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો જે સંસ્કૃતિ અને ઇતિહાસને જાણતા નથી અને એટલે દ હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાય તેવા કાર્યો કરે છે અથવા નિવેદનો કરે છે , વારંવાર હિન્દુ સનાતન ધર્મના ભગવાનનું અપમાન કરવામાં આવે છે. ઘણીવાર આવા કાર્યથી ભગવાનને નીચા બતાવાયા છે અને લોકોના વિરોધનું ભોગ બનવું પડે છે અને પછી માફી માંગવી પડે છે.
લેખક- ધર્મવિદ, જ્યોતિષાચાર્ય, ચેતન પટેલ