(Source: ECI/ABP News/ABP Majha)
મનરેગામાં 42 ડિગ્રી તાપમાનમાં શ્રમિકો કરે છે કામ, મળે છે 40 રૂપિયા મહેનતાણું!
AMRELI NEWS : અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ઝીંઝુડા ગામે શ્રમિકો મનરેગામાં 42 ડિગ્રી તાપમનમાં કામ કરે છે.
AMRELI : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે અનેક સ્થાનિક શ્રમિકો કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના એટલે કે મનરેગા યોજનામાં કામ કરી રહ્યાં છે. પણ આ યોજનામાં સ્થાનિક શ્રમિકોને મદદને બદલે તેમનું શોષણ થઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
42 ડિગ્રીમાં કામ, 40 રૂપિયા મહેનતાણું
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ઝીંઝુડા ગામે શ્રમિકો મનરેગામાં 42 ડિગ્રી તાપમનમાં કામ કરે છે. પણ આની સામે તેમને 40 થી 90 રૂપિયા સુધીનું મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. જો આ શ્રમિકો બહાર કામ કરવા જાય તો રોજના 400 રૂપિયા મળે, પણ અહીં તો 7 દિવસના માત્ર 380 રૂપિયા જ મળી રહ્યાં છે. પહેલા મનરેગામાં સાત દિવસના 2000થી 2500 રૂપિયા મળતા હતા.
42 ડિગ્રી તાપમાનમાં શ્રમિકો કામ કરે છે તેમને નિયમ મુજબ છાયડાની સુવિધા પણ આપવામાં આવી રહી નથી. અહીં જે છાયડા છે તે શ્રમિકોએ જાતે ઉભા કરેલા છે.
શું નિરક્ષર શ્રમિકોનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે?
મોટા ઝીંઝુડા ગામ આર્થિક રીતે પછાત છે ગરીબોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. મોટા ઝીંઝુડા ગામે મનરેગામાં કામ કરી રહેલા શ્રમિકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. શ્રમિકો ધોમ ધખતા તાપમાં બાળકોને સાથે લઈને કામ કરવા માટે મજબૂર છે. અહીં શ્રમિકો જે જગ્યાએ કામ કરે છે તે ડુંગરાળ અને પથ્થર વાળી જમીન છે, જેને લીધે શ્રમિકો કામ પૂરું કરી શકતાં નથી, જેના પરિણામે મહેનતાણું પણ ખૂબ જ ઓછું મળે છે. આખા દિવસની મહેનત બાદ આ નિરક્ષણ મજૂરો 40 થી 90 રૂપિયા સુધીનું મહેનતાણું મળે છે. જેનું કારણ છે આ શ્રમિકોને ઘનફુટ કામના આધારે મહેનતાણું ચુકવવામાં આવી રહ્યું છે.
હવે સવાલ એ છે કે શું ઘનફૂટ કામના આધારે ગણતરી કરીને નિરક્ષર શ્રમિકોનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે? આ બાબતે ગામના યુવા સરપંચ પંકજ ઉનાવાએ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા તેમણે કહ્યું કે શ્રમિકોને ઘનફૂટના આધારે કામ ગણી મહેનતાણું આપવામાં આવે છે. જમીન પોચી હોય કે પથરાળ, મહેનતાણું સરખું જ ચુકવવામાં આવે છે.
ગામના પ્રથમ નાગરિક અને યુવાન ઉત્સાહી સરપંચે પણ આ ગરીબ શ્રમિકોની વેદના સાંભળીસરકારને વિનંતી સાથે ચેતવણી પણ આપી દીધી છે જો શ્રામિકોને યોગ્ય મહેનતાણું આપવામાં નહીં આવે તો તમામ મજૂરો સાથે તાલુકા પંચાયતનો ઘેરાવો કરીશું.