World Blood Donor Day: રક્તદાનમાં પણ ગુજરાતીઓ સમગ્ર દેશમાં મોખરે, સ્વૈચ્છિક રક્તદાતાઓની મોટી સંખ્યા
World Blood Donor Day: WHO ની માર્ગદર્શિકા પ્રમાણે માથાદીઠ 1 % રક્તદાનની જરૂરિયાત સામે ગુજરાતમાં 1.63 % જેટલું રક્તદાન.
![World Blood Donor Day: રક્તદાનમાં પણ ગુજરાતીઓ સમગ્ર દેશમાં મોખરે, સ્વૈચ્છિક રક્તદાતાઓની મોટી સંખ્યા World Blood Donor Day 2023: Gujaratis also lead in blood donation across the country large number of voluntary blood donors World Blood Donor Day: રક્તદાનમાં પણ ગુજરાતીઓ સમગ્ર દેશમાં મોખરે, સ્વૈચ્છિક રક્તદાતાઓની મોટી સંખ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/13/76831cb8147d6fff8d864ffbc324ba30168665348402076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
World Blood Donor Day: ગુજરાત રાજ્ય શરૂઆત થી જ વિવિધ પ્રકારના દાનમાં અગ્રેસર રહ્યું છે. અંગદાન, ચક્ષુદાન અને રક્તદાનની સેવાકીય પ્રવૃતિમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતીઓ રક્તદાનમાં હંમેશાથી મોખરે રહ્યાં છે.
ગુજરાતમાં કુલ રક્તદાનમાંથી 77 ટકા સ્વૈચ્છિક રક્તદાન
World Health Organization (WHO)ની માર્ગદર્શિકા પ્રમાણે માથાદીઠ 1% રક્તદાનની જરૂરિયાત સામે ગુજરાત રાજ્યમાં 1.63% જેટલું રક્તદાન થાય છે. આ પ્રમાણની સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્તરે છે. “દાન તો ગુજરાતીના લોહીમાં છે, તો લોહીનું દાન કેમ નહિ”, આ ઉક્તિ ગુજરાતની ભવ્ય મહાજન પરંપરાને ઉજાગર કરે છે. કુદરતી હોનારત, આપત્તિ કે અન્ય તમામ પડકારોનો ગુજરાતની જનતાએ હિંમત અને નીડરતા પૂર્વક સામનો કર્યો છે. ગુજરાતમાં રક્તદાનની પરંપરા પણ એટલી જ ભવ્ય રહી છે.
વર્ષ 2022-23 દરમિયાન રાજ્યમાં અંદાજિત 9,88,795 યુનિટ રક્તદાન થયેલ છે. જેમાંથી 77% રક્તદાન સ્વૈચ્છિક રક્તદાન છે.
ગુજરાતમાં કેટલી બ્લડ બેંક છે કાર્યરત
હાલમાં ગુજરાતમાં 181 બ્લડ બેંકો કાર્યરત છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્લડ બેંક કાર્યરત છે. ગુજરાતમાં 141 બ્લડ બેંકોમાં કોમ્પોનન્ટ સેપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. 151 બ્લડ બેંકો બ્લડ ડોનેશન કેમ્પ કરવાની મંજુરી ધરાવે છે.
રાષ્ટ્રીય સ્તરે પણ રક્તદાનની પ્રવૃત્તિમાં ગુજરાત હંમેશા અગ્રેસર
સ્વૈચ્છિક રક્તદાનમાં ગુજરાતના નામે ઘણા બધા રેકોર્ડ નોંધાયેલ છે. જેવા કે સૌથી વધુ શતકવીર રક્તદાતાઓ, રક્તદાન શિબિરો, એક જ દિવસમાં કેમ્પમાં મહત્તમ રક્તદાન, સૌથી વધુ બ્લડ કલેક્શન વાન, વગેરે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સ્તરે પણ રક્તદાનની પ્રવૃત્તિમાં ગુજરાત હંમેશાથી અગ્રેસર રહ્યું છે.
કોરોનામાં પણ ગુજરાતની બ્લડ બેંકોની પ્રશંસનીય કામગીરી
કોરોનાની મહામારીમાં પણ ગુજરાતનાં એકપણ જીલ્લામાં રક્તની અછત ઉદભવેલ ન હતી. આવા કપરાં સંજોગોમાં પણ રકતદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો અને બ્લડ બેંકોનું રકતદાન માટેનું યોગદાન ખુબ જ પ્રશંસનીય છે. કોરોનાની સારવાર માટે ગુજરાતમાં 42 બ્લડ બેંકો ખાતે કોન્વોલેસેન્ટ પ્લાઝમા આપવાની સુવિધા ઉપલબ્ધ હતી. જે ગુજરાતની પ્રજા માટે ઘણીય મદદરૂપ બની હતી.
રક્તદાન માટે મહત્વની બાબતો
- દાતાની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- દાતાનું વજન 45 કિલોથી વધુ હોવું જોઈએ.
- દર વખતે રક્તદાન કરવા વચ્ચે ઓછામાં ઓછું 3 મહિનાનું અંતર હોવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)