(Source: ECI/ABP News/ABP Majha)
2000 Notes : ATMમાંથી કેમ નથી નિકળતી રૂ. 2000ની નોટ ? થઈ ગઈ બંધ ?
મોટાભાગના લોકોનું કહેવું છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટો દુર્લભ બની ગઈ છે. ચલણમાં હોવા છતાં લોકો 2000 રૂપિયાની નોટ જોઈ શકતા નથી.
2000 Rupees Currency Notes: મોટાભાગના લોકોનું કહેવું છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટો દુર્લભ બની ગઈ છે. ચલણમાં હોવા છતાં લોકો 2000 રૂપિયાની નોટ જોઈ શકતા નથી. છેલ્લી વખત ક્યારે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હતા અને પૈસા ઉપાડવા પર તમને 2000 રૂપિયાની નોટ મળી હતી તે ઘણા લોકોને યાદ નથી. હવે આ મામલો સંસદમાં ગુંજ્યો છે. સંસદમાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું આરબીઆઈએ બેંકોને એટીએમ દ્વારા 2000 રૂપિયાની નોટો આપવા પર પ્રતિબંધ મૂક્યો છે?
જેનો સરકાર તરફથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો. સરકારે રૂપિયા 2000ની નોટને લઈને આરબીઆઈને આવી કોઈ બાબતોનો આદેશ આપ્યો હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
લોકસભામાં પ્રશ્નકાળમાં સાંસદ સંતોષ કુમારે નાણામંત્રીને પૂછ્યું હતું કે, શું ભારતીય રિઝર્વ બેંકે ATM દ્વારા રૂ. 2,000ની નોટોના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે? આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્કે ઓટોમેટેડ ટેલર મશીનમાં રૂ. 2000ની નોટો ન ભરવા માટે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી. ભૂતકાળના વપરાશ, ઉપભોક્તાઓની જરૂરિયાતો અને સિઝનલ ટ્રેંડને ધ્યાનમાં રાખીને બેંકો પોતે એટીએમમાં રાખવાની રકમ અને મૂલ્ય નક્કી કરે છે.
નાણા મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, RBIએ 2000 રૂપિયાની નોટ છાપવા પર ક્યારથી પ્રતિબંધ મૂક્યો છે? તો આ પ્રશ્નનો જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ 2019-20 થી 2000 રૂપિયાની નોટોની સપ્લાયની કોઈ માંગ નથી. આ પહેલા ડિસેમ્બર 2021માં પણ સરકારે સંસદમાં કહ્યું હતું કે, 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા ઓર્ડર આપવામાં આવ્યા નથી. તેથી 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.
સરકારને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે, કેટલાક ડેટા મુજબ નોટબંધી પછી 9.21 લાખ કરોડ રૂપિયાની 500 અને 2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ છે અને શું આ ચલણી નોટો કાળા નાણામાં ફેરવાઈ ગઈ છે? આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું હતું કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2017ના અંતમાં 500 અને 2000 રૂપિયાની નોટો 9.512 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ચલણમાં હતી. જે માર્ચ 2022માં વધીને 27.057 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.