૮મા પગાર પંચની ૮ મહત્વની વાતો, સરકારી કર્મચારીઓએ આ મહત્ત્વપૂર્ણ કામની વાત જાણવી જોઈએ
કેબિનેટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ ઘણી મહત્વની માહિતી આપવામાં આવી હતી.

PM Modi on 8th Pay Commission: કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ૮મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે, જે ૧.૨ કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત લઈને આવ્યું છે. તેઓ લાંબા સમયથી તેમના પગાર અને પેન્શનમાં સુધારાની રાહ જોઈ રહ્યા હતા. બજેટ ૨૦૨૫ પહેલાંની આ મોટી જાહેરાત સૂચવે છે કે આવનારા સમયમાં મોદી સરકાર સરકારી કર્મચારીઓ માટે કેટલાક વધુ મહત્વના પગલાં લઈ શકે છે.
કેબિનેટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ ઘણી મહત્વની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી હતી કે ૨૦૨૬માં ૭મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ ૮મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકારો સહિત અન્ય હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ૮મા પગાર પંચ વિશે ૮ મહત્વની બાબતો નીચે મુજબ છે, જેના વિશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ જાણવું જોઈએ:
- કેબિનેટની મંજૂરી: કેન્દ્રીય કેબિનેટે લગભગ ૫૦ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને લગભગ ૬૫ લાખ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવા માટે ૮મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે.
- પગાર પંચના સભ્યોની પસંદગી: ૮મા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોની ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે અને કેન્દ્ર, રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ શરૂ કરવામાં આવશે.
- સમયસર અમલ: સરકારને વિશ્વાસ છે કે ૨૦૨૬માં ૭મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ૮મા પગાર પંચની ભલામણો મળી જશે, ત્યારબાદ તેના અમલીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
- ઐતિહાસિક મહત્વ: ૧૯૪૭માં ભારતની આઝાદી પછી ૭ પગાર પંચની રચના કરવામાં આવી છે. આ પગારપંચોએ સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખું, લાભો અને ભથ્થાં નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
- દર ૧૦ વર્ષે નવું પગારપંચ: ૭મા પગાર પંચની રચના ૨૦૧૪માં કરવામાં આવી હતી અને તેની ભલામણો જાન્યુઆરી ૨૦૧૬માં લાગુ કરવામાં આવી હતી. આથી, ૮મું પગાર પંચ પણ ૧૦ વર્ષ પછી ૨૦૨૬માં લાગુ થઈ શકે છે.
- પગાર-પેન્શનમાં વધારો: નિષ્ણાતોનો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટર ૧.૯૨ થી ૨.૮૬ની રેન્જમાં હશે, જેના કારણે પેન્શન વર્તમાન રૂ. ૯,૦૦૦ થી વધીને રૂ. ૧૭,૨૮૦ અને રૂ. ૨૫,૨૦૦ વચ્ચે થઈ શકે છે.
- પગારમાં ઉછાળો: જો ૨.૮૬નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શન અને પગારમાં અંદાજે ૧૮૬%નો વધારો જોવા મળી શકે છે. આના કારણે ન્યૂનતમ બેઝિક સેલેરી વધીને રૂ. ૫૧,૦૦૦થી વધુ થઈ શકે છે.
- વડાપ્રધાનનું નિવેદન: વડાપ્રધાન મોદીએ કહ્યું કે ૮મા પગાર પંચના નિર્ણયની સકારાત્મક અસર પડશે અને સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો થશે. આ ઉપરાંત અર્થતંત્રમાં વપરાશને પણ વેગ મળશે.
આ પણ વાંચો....
ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ બાદ અહીં થયો દાનનો વરસાદ, ભાજપને મળ્યા સૌથી વધુ રૂપિયા

