ABP Ideas of India: ભારતના ન્યાયતંત્ર કેટલું સ્વતંત્ર છે? જાણો સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંહે શું આપ્યો જવાબ
સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહ અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ પિંકી આનંદે એબીપી આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ 2022માં ભાગ લીધો હતો.
MUMBAI : સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહ અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ પિંકી આનંદે એબીપી આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ 2022માં ભાગ લીધો હતો. જ્યાં બંને સિનિયર એડવોકેટે ભારતમાં ન્યાયતંત્ર અને તેના પડકારો વિશે ચર્ચા કરી હતી. આ સત્રમાં ન્યાયિક સ્વાયત્તતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બંધારણમાં બધા માટે એક સરખું સન્માન
જ્યારે સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહને પૂછવામાં આવ્યું કે ભારતનું ન્યાયતંત્ર કયા સમયગાળામાં સૌથી વધુ સ્વતંત્ર હતું અને તમે તેને કેવી રીતે જુઓ છો, તો તેમણે જવાબ આપ્યો હતો કે, મને લાગે છે કે આ દેશનો પાયો ખૂબ જ મજબૂત છે. આપણા દેશમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે. આપણી પાસે ડૉ. આંબેડકર જેવા અદ્ભુત લોકો હતા, જેમણે આ બંધારણ ઘડ્યું હતું. આ બંધારણે સરકાર ચલાવવાનો સિદ્ધાંત આપ્યો, જેને બિનસાંપ્રદાયિક કહેવામાં આવે છે. જેમાં દેશના દરેક નાગરિકને એક માનીને એક પ્રકારનું સન્માન આપવામાં આવે છે. તમે શું કરો છો અને તમે કઈ સ્થિતિમાં છો તેનાથી કોઈ ફરક પડતો નથી.
ઈમરજન્સી દરમિયાન પ્રથમ વખત ન્યાયતંત્રે તેની સ્વતંત્રતા ગુમાવી હતી
ઈન્દિરા જયસિંહે વધુમાં કહ્યું કે, આ ભારતીય બંધારણની ગાઈડલાઈન છે, પરંતુ ખરો સવાલ એ છે કે બંધારણની આ ભાવનાનું પાલન કોણ કરે છે. બંધારણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મૂળભૂત અધિકારો છે, જે તમામ લોકો માટે બનાવવામાં આવ્યા છે. પહેલા આપણે નક્કી કરવું પડશે કે ન્યાયતંત્ર કોની પાસેથી સ્વતંત્રતા માંગે છે. હું માનું છું કે ઈમરજન્સી દરમિયાન પ્રથમ વખત ન્યાયતંત્રે તેની સ્વતંત્રતા ગુમાવી હતી. વર્તમાન યુગમાં ઈમરજન્સી જાહેર કર્યા વિના ઘણું બધું થઈ શકે છે. જ્યારે કોઈ નાગરિક અને વકીલ પાસે લેખિત દસ્તાવેજ હોય ત્યારે તે સત્તાધિકારીને પડકારવાનું સરળ છે. પરંતુ આજે તમારી પાસે આવો કોઈ દસ્તાવેજ લેખિતમાં નથી.
જજોની એન્ટ્રી પણ પાછલા બારણેથી થઈ રહી છે
સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહે કહ્યું કે, હું માનું છું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અમુક અંશે સંકુચિત થઈ છે, કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી નિમણૂકો પણ પાછલા બારણેથી થઈ રહી છે. આ સાથે કાગળ પર લખાયેલ નિયમ કહે છે કે તેની એક સિસ્ટમ છે. જેમાં કોલેજિયમ નક્કી કરે છે કે કોણ જજ બનશે અને કોણ નહીં. આ અંગે સરકારની સલાહ લેવામાં આવે છે. ક્યારેક સરકાર તેને મંજૂર કરે છે, તો ક્યારેક તેને સદંતર નામંજૂર કરે છે. તેથી જ મને લાગે છે કે આજે આપણે એવા મુકામે છીએ જ્યાં ન્યાયતંત્રની સ્વતંત્રતા ગુમાવવાનો ભય છે.