(Source: ECI/ABP News/ABP Majha)
Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકેસ ઉકેલાઈ ગયો? આફતાબે નાર્કો ટેસ્ટમાં કર્યા અનેક ખુલાસા
આ દરમિયાન આફતાબે ફરી એકવાર શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી આફતાબે ટેસ્ટમાં પૂછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
Shraddha Murder Case Update: શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યાની વાત આખરે કબુલી લીધી છે. દિલ્હીના રોહિણી સ્થિત ડો.ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં આફતાબના નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આફતાબનો નાર્કો ટેસ્ટ 1 કલાક 50 મિનિટ સુધી ચાલ્યો હતો. ટેસ્ટ બાદ આરોપી આફતાબને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો.
આ દરમિયાન આફતાબે ફરી એકવાર શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી આફતાબે ટેસ્ટમાં પૂછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે અંગ્રેજીમાં પણ ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સાથે જ આફતાબે કેટલાક સવાલોના જવાબ આપવામાં થોડો સમય પણ લીધો હતો. પરંતુ જ્યારે કેટલાક પ્રશ્નો ફરીને પુછવામાં આવ્યા તો તેણે યોગ્ય જવાબ આપ્યા હતાં. આ ટેસ્ટ દરમિયાન આફતાબ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલો નજરે પડ્યો હતો.
હત્યાની કરી કબૂલાત
આરોપી આફતાબે નાર્કો ટેસ્ટ દરમિયાન શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને તેને ક્યાં ફેંક્યુ હતું તેને લઈને પણ સનસની ખુલાસો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેસ્ટ દરમિયાન પણ આફતાબ ચાલાકી બતાવતો હતો. અત્યાર સુધી આફતાબ પોલીસની દરેક વાત માની રહ્યો છે અને તપાસમાં સહકાર આપી રહ્યો છે. પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે પણ સંમત થયો હતો. પોલીસ તેના સારા વર્તન પર શંકા વ્યક્ત કરી રહી છે.
આફતાબની હજી આકરી કસોટી બાકી
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના મદદનીશ નિયામક સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે FSLએ આફતાબનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કર્યો છે. ટેસ્ટ દરમિયાન મનોવૈજ્ઞાનિકો, ટેકનિશિયન, એફએસએલના ફોટો નિષ્ણાતો અને આંબેડકર હોસ્પિટલની મેડિકલ ટીમ હાજર રહી હતી. તેમણે કહ્યું હતું કે, નાર્કો બાદ હવે બીજા ટેસ્ટ પણ થશે. આ ટેસ્ટ માટે આરોપી આફતાબને એફએસએલમાં લાવવામાં આવશે જ્યાં તેનું કાઉન્સલિંગ કરવામાં આવશે.
પોલીગ્રાફી ટેસ્ટ કરાવ્યો
આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ આજે પૂરો થઈ ગયો છે, જેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આફતાબે કબૂલ્યું હતું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે, તેને શ્રદ્ધાની હત્યાનો કોઈ જ અફસોસ નથી.