અમદાવાદ વિમાન દુર્ઘટના: એક જ બોડી બેગમાંથી 2 માથા મળવા મામલે તંત્રએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું
અમદાવાદ પ્લેન ક્રેશ: 80 મૃતદેહોના DNA મેચ થતા ઓળખ થઈ.

Air India plane crash Ahmedabad: ગુરુવાર, 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની હૃદયદ્રાવક વિગતો જેમ જેમ સામે આવી રહી છે, તેમ તેમ તંત્ર અને પીડિત પરિવારોની મુશ્કેલીઓ વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની ઓળખની જટિલ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે એક બોડી બેગમાંથી બે અલગ-અલગ વ્યક્તિઓના માથા મળી આવવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. જોકે આ મામલે સિવિલ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, આવી કોઈ ઘટના બની નથી.
તંત્રનો ખુલાસો...

80 મૃતદેહોના DNA મેચ થતા ઓળખ થઈ
શહેરને ધ્રુજાવી દેનાર પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી મૃતદેહોની ઓળખ અને તેને સ્વજનોને સોંપવાની કઠિન પ્રક્રિયામાં મહત્વની પ્રગતિ થઈ છે. રવિવાર સાંજ સુધીમાં, તબીબી ટીમે DNA મેચિંગ દ્વારા કુલ 80 મૃતદેહોની સફળતાપૂર્વક ઓળખ કરી લીધી છે અને તમામ મૃતકોના પરિજનોનો સંપર્ક પણ સાધી લેવામાં આવ્યો છે. જોકે, હોસ્પિટલ પરિસરમાં ગમગીની અને કરુણાનો માહોલ યથાવત છે કારણ કે પરિવારો માટે તેમના પ્રિયજનોના અવશેષો સ્વીકારવાની ક્ષણ અત્યંત પીડાદાયક બની રહી છે.
મૃતદેહો સોંપવાની જટિલ અને સંવેદનશીલ પ્રક્રિયા
સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓળખાયેલા 80 મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં કુલ 33 મૃતદેહો તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે. આજે રવિવાર રાત્રે વધુ 2 પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવશે. આ ઉપરાંત, આવતીકાલે સોમવારે અન્ય 13 પરિવારો મૃતદેહ લેવા માટે હોસ્પિટલ આવશે.
આ પ્રક્રિયાની જટિલતા એ વાત પરથી સમજી શકાય છે કે 11 પરિવારો એવા છે જેમણે આ દુર્ઘટનામાં એકથી વધુ સભ્યો ગુમાવ્યા છે. આ પરિવારોએ તંત્રને જણાવ્યું છે કે તેઓ તેમના તમામ સ્વજનોના મૃતદેહો એકસાથે જ સ્વીકારવા માંગે છે. જ્યારે અન્ય 21 પરિવારોએ જણાવ્યું છે કે તેઓ આઘાતમાંથી બહાર આવીને અને પરસ્પર ચર્ચા કરીને મૃતદેહ ક્યારે લઈ જવા તે અંગે તંત્રને જાણ કરશે. હોસ્પિટલ પ્રશાસન દરેક પરિવારની ભાવનાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતાપૂર્વક કાર્યવાહી કરી રહ્યું છે.
સોંપાયેલા મૃતદેહોની વિસ્તાર મુજબની વિગતો
રવિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં સોંપવામાં આવેલા 33 મૃતદેહો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરો અને જિલ્લાઓના હતા. જેની વિગતો નીચે મુજબ છે:
- અમદાવાદ: 12
- વડોદરા: 5
- આણંદ: 4
- મહેસાણા: 4
- ખેડા: 2
- ભરૂચ: 2
- બોટાદ: 1
- ઉદયપુર (રાજસ્થાન): 1
- જોધપુર (રાજસ્થાન): 1
- અરવલ્લી: 1





















