(Source: ECI/ABP News/ABP Majha)
UP: અખિલેશ યાદવે વીડિયો શેર કરીને લખ્યું સફર મેં સાંડ તો મિલેંગે, જો ચલ સકો તો ચલો... જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રખડતા પશુઓ મુદ્દે યોગી સરકાર પર કટાક્ષ કર્યો છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રખડતા પશુઓ મુદ્દે યોગી સરકાર પર કટાક્ષ કર્યો છે. અખિલેશે પોતાની ગાડી સામે આવેલ આખલાનો એક વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, "સફરમાં સાંડ (આખલા) તો મળશે.. જો ચાલી શકો તો ચાલો... ઘણું કઠીન છે યુપીમાં સફર કરવું જો ચાલી શકો તો ચાલો.."
અખિલેશ યાદવ આજે સીતાપુરના પ્રવાસે હતા. તેમણે અહીં પૂર્વ મંત્રી નરેન્દ્ર વર્માના ભાઈ સ્વર્ગસ્થ મહેન્દ્ર વર્માને શ્રદ્ધાંજલિ આપી અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને સંવેદના વ્યક્ત કરી હતી. આ પ્રવાસ દરમ્યાન જ અખિલેશ યાદવના કાફલાની ગાડી વચ્ચે રખડતો આખલો આવી ગયો હતો. જેનો વીડિયો અખિલેશ યાદવે ટ્વીટ કર્યો હતો.
सफ़र में साँड़ तो मिलेंगे… जो चल सको तो चलो…
— Akhilesh Yadav (@yadavakhilesh) March 16, 2022
बड़ा कठिन है यूपी में सफ़र जो चल सको तो चलो! pic.twitter.com/ZunRV6qlPa
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ સતત રખડતા પ્રાણીઓનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. આજે જ સમાજવાદી પાર્ટીએ આખલાના હુમલામાં ખેડૂતના મોતના સમાચાર શેર કરતા ટ્વિટ કર્યું હતું કે, “ખેડૂત ખેતરમાં ઘાસચારો કાપવા ગયો, મોત થયું. પીલીભીતના કકરૌઆ ગામમાં આખલાના હુમલાથી ખેડૂતનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે! શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના, સરકારે આર્થિક સહાય માટે વળતર આપવું જોઈએ.
થોડા દિવસ પહેલાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સતત બીજી વખત જીત મેળવવામાં સફળ રહ્યું છે. ભાજપે 403માંથી 255 બેઠકો જીતી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીને 111 સીટો પર સફળતા મળી છે.
પોતાની હાર પર અખિલેશ યાદવે આજે ફરી કહ્યું કે "જે ચૂંટણી યોજાઈ છે તેમાં સમાજવાદીઓની નૈતિક જીત થઈ છે. સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના સંઘર્ષ અને સહકારના કારણે સમાજવાદી પાર્ટીનું કદ વધી રહ્યું છે અને ભાજપના કદમાં ઘટાડો થયો છે.