Supreme Court Live Streaming: સુપ્રીમ કોર્ટની સુનાવણીનું LIVE પ્રસારણ જોઇ શકશે લોકો, 27 ડિસેમ્બરથી બંધારણીય બેન્ચના મામલાથી થશે શરૂઆત
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બંધારણીય બેન્ચના કેસોનું લાઈવ પ્રસારણ મંગળવાર, 27 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે
Supreme Court Live Streaming: મંગળવારે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બંધારણીય બેન્ચના કેસોનું લાઈવ પ્રસારણ મંગળવાર, 27 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. મંગળવારે સાંજે ભારતના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર,આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ સાથે ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી લાઈવ જોઈ શકાશે. બંધારણ બેન્ચમાં ચાલી રહેલા કેસ સાથે લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થશે. બાદમાં તેને અન્ય કેસ માટે પણ શરૂ કરવામાં આવશે.
2018માં એક કેસનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું
2018 માં એક મામલાનો ચુકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટે તેની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ કોર્ટની રજિસ્ટ્રીને તેને લગતી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોરોના સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી શરૂ કરી હતી, પરંતુ સામાન્ય લોકો માટે તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું ન હતું. હવે કોર્ટના આદેશના 4 વર્ષ બાદ આવું થવા જઈ રહ્યું છે.
યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવશે
શરૂઆતમાં આ પ્રસારણ YouTube પર કરવામાં આવશે. બાદમાં સુપ્રીમ કોર્ટ પણ આ માટે પોતાની વેબ શરૂ કરશે. અગાઉ 26 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાને વિદાય આપવા બેસેલી સેરેમોનિયલ બેન્ચની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કર્યું હતું. હવે પ્રાયોગિક ધોરણે બંધારણીય બેન્ચની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. બાદમાં તેને અન્ય કેસ માટે પણ શરૂ કરવામાં આવી શકે છે.
EWS કેસની સુનાવણી ચાલી રહી છે
હાલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતામાં 5 જજોની બંધારણીય બેન્ચ સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સામે દાખલ અરજીઓની સુનાવણી કરી રહી છે. આ પછી આ બેન્ચ આંધ્રપ્રદેશમાં સમગ્ર મુસ્લિમ સમુદાયને પછાત વર્ગ તરીકે જાહેર કરીને આપવામાં આવેલી અનામત વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાની છે.
કેસની સુનાવણી ક્યારે થશે
આ ઉપરાંત 27 સપ્ટેમ્બરથી જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં બંધારણીય બેન્ચ પણ બેસશે. વકીલોના એનરોલમેન્ટ પહેલા ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનની સિસ્ટમને પડકારતી અરજીઓ પર બેન્ચ સુનાવણી કરશે.
ત્યારબાદ 28 સપ્ટેમ્બરના રોજ બેન્ચ એ કેસની સુનાવણી કરશે કે શું સુપ્રીમ કોર્ટને કોઇ લગ્નને પોતાની રીતે સીધા રદ કરવાનો (એટલે કે ડિવોર્સ)નો અધિકાર છે. કે પછી તેણે નીચલી કોર્ટના નિર્ણય બાદ જ અપીલ સાંભળવી જોઇએ.