ફ્લાઈટ બાદ હવે તિરુપતિના મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
તિરુપતિના ઈસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી રવિવારે (27 ઓક્ટોબર 2024)ના રોજ ઈમેલ દ્વારા મળી હતી.
તિરુપતિના ઈસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી રવિવારે (27 ઓક્ટોબર 2024)ના રોજ ઈમેલ દ્વારા મળી હતી. મંદિર પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ઈમેલ મોકલનાર વ્યક્તિએ ધમકી આપી છે કે ISISના આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે.
માહિતી મળતાની સાથે જ તિરુપતિ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મંદિરની તપાસ કરી હતી. સ્થાનિક પોલીસે વિસ્ફોટકોની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડને પણ બોલાવી હતી. જો કે મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
સર્કલ ઇન્સ્પેક્ટર શ્રીનિવાસુલુએ સમાચારની પુષ્ટિ કરી અને ખાતરી આપી કે ધમકીઓ માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે યોગ્ય અને જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસને શંકા છે કે આ ફર્જી મેઈલ હોઈ શકે છે.
તિરુપતિના પોલીસ અધિક્ષક એલ સુબ્બારાયડુએ જણાવ્યું કે, જ્યારે અમને ફરિયાદો મળી અમે તાત્કાલિક પગલાં લીધા અને અમારી ટીમે સંપૂર્ણ તપાસ કરી. પરંતુ તે (નકલી ઈમેલ ધમકીઓ) નીકળી. અમે કેસ નોંધી રહ્યા છીએ અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાયબર ક્રાઈમ બ્રાન્ચની મદદથી કેસની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટની નામાંકિત 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી
રાજકોટ શહેરમાં અગ્રણી દસ હોટલોને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી મળી હતી. આ ધમકીને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ ધમકી ઈમેલ દ્વારા મળી હતી જેમાં ધ ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, ભાભા હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલનો સમાવેશ થાય છે.
ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા છે અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
બપોરે 12:45 વાગ્યે આ મેઈલ મળતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક તમામ હોટલો પર પહોંચી ગઈ હતી. સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા રાહતનો શ્વાસ લેવાયો હતો.