Delhi: કેજરીવાલે ઉપરાજ્યપાલને કહ્યું - "LG સાહેબે જેટલા લવ લેટર મને લખ્યા, એટલા મારી પત્નીએ મને નથી લખ્યા"
દિલ્હીની AAP સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના વચ્ચે 36નો આંકડો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય સક્સેનાએ દિલ્હી સરકારની ઘણી નીતિઓ સામે તપાસના આદેશ આપ્યા છે.
Arvind Kejriwal On Delhi LG: દિલ્હીની AAP સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના વચ્ચે 36નો આંકડો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય સક્સેનાએ દિલ્હી સરકારની ઘણી નીતિઓ સામે તપાસના આદેશ આપ્યા છે. તાજેતરમાં, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. આ અંગે LG વિનય સક્સેના નારાજ થઈ ગયા હતા અને તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો.
'LG સાહેબ થોડું ચિલ કરો'
આ પત્ર અંગે ગુરુવારે (6 ઓક્ટોબર) અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર એક ટ્વિટ કર્યું, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. લેફ્ટનન્ટ ગવર્નર પર કટાક્ષ કરતાં તેમણે લખ્યું કે, " જેટલો ઠપકો મારી પત્ની મને નથી આપતી એટલો ઠપકો LG સાહેબ મને રોજ આપે છે. છેલ્લા છ મહિનામાં મારી પત્નીએ મને જેટલા લવલેટર નથી લખ્યા એટલા તો એલજી સાહેબે લખ્યા છે. એલજી સાહેબ, થોડું chill કરો (જરા શાંત થાઓ) અને તમારા સુપર બોસને પણ કહો, જરા શાંત થાઓ."
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022
એલજીએ પત્રમાં શું કહ્યું?
નોંધનીય છે કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સીએમ અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં કહ્યું છે કે હું એ કહેવા માટે બંધાયેલો છું કે, 2જી ઓક્ટોબરે તમે કે તમારી સરકારના કોઈ મંત્રી હાજર ન હતા. બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભાના સ્પીકર અને અનેક વિદેશી મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
'ડેપ્યુટી સીએમ એકદમ લાપરવાહ દેખાતા હતા'
પત્રમાં લેફ્ટનન્ટ ગવર્નરે લખ્યું છે કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા થોડી મિનિટો માટે હાજર હતા, જોકે તેઓ એકદમ બેદરકાર દેખાતા હતા. લેફ્ટનન્ટ ગવર્નરે પાંચ પાનાના પત્રમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજઘાટ અને વિજયઘાટ પર તમામ પક્ષોના નેતાઓ પણ હાજર હતા.
AAP એ પત્રનો જવાબ આપ્યો
આમ આદમી પાર્ટીએ પણ લેફ્ટનન્ટ ગવર્નરના પત્રનો જવાબ આપ્યો. AAPનું કહેવું છે કે એલજીએ પ્રધાનમંત્રીના નિર્દેશ પર આ પત્ર લખ્યો છે. AAPએ કહ્યું- "CM એ વર્ષોથી ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિના કાર્યક્રમોમાં હંમેશા ભાગ લીધો છે. CM રવિવારે ગુજરાતમાં હતા અને તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. LGના પત્ર પાછળનું કારણ સમજવું જરૂરી છે."