Maharashtra: લોકસભા પહેલા મહારાષ્ટ્રમાં મોટી તૂટની તૈયારી, અશોક ચવ્હાણ સહિત 12 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
લોકસભા ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને મહારાષ્ટ્રમાં વધુ મજબૂતી મળવા જઈ રહી છે
Maharashtra Politics News: લોકસભા ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને મહારાષ્ટ્રમાં વધુ મજબૂતી મળવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશોક ચવ્હાણ સહિત કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે વાતચીત શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અશોક ચવ્હાણની સાથે 10થી 12 કોંગ્રેસના ધારાસભ્યો જઈ શકે છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે સત્તાવાર રીતે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "આજે મેં કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મેં હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો નથી. મેં કોઈ મજબૂરીના કારણે રાજીનામું આપ્યું નથી.
આ ધારાસભ્યો પણ આવશે સાથે
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચવ્હાણની સાથે ત્રણ વધુ ધારાસભ્યો સુભાષ ધોટે, જીતેશ અંતરપુરકર અને અમર રાજપુરકર પણ પાર્ટી બદલી શકે છે. આ સિવાય બાબા સિદ્દીકીના પુત્ર જીશાન પાર્ટી બદલવાની અટકળો છે. જોકે, તેણે આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી.
એવા અહેવાલો છે કે અજિત પવારની આગેવાની હેઠળની NCP પણ કોંગ્રેસના વધુ બે મોટા નેતાઓ પર નજર રાખી રહી છે. જેમાં મુંબાદેવીના ધારાસભ્ય અમીન પટેલ અને મલાડ પશ્ચિમના ધારાસભ્ય અસલમ શેખના નામનો સમાવેશ થાય છે. મુંબઈમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો છે. જો આ તમામ ધારાસભ્યો છોડશે તો મુંબઈમાં કોંગ્રેસનો એક જ ધારાસભ્ય બચશે.
કોંગ્રેસને અલવિદા કહી ચૂંક્યા છે આ મોટા નેતા
અશોક ચવ્હાણ પહેલા દિગ્ગજ નેતાઓ મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. અશોક ચવ્હાણની સાથે આ ત્રણેય મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા ચહેરા હતા. જ્યારે દેવરા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાનો એક ભાગ બન્યો, સિદ્દીકી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઇ ગયા છે.