ભોપાલની હોસ્પિટલમાં લાગેલી આગમાં બાળકોને બચાવનારા ડોક્ટર્સ, નર્સની થઈ હતી આવી હાલત, હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ
Bhopal Kamla Nehru Hospital Fire: હોસ્પિટલના ત્રીજા માળે આવેલા પીડિયાટ્રિક વોર્ડમાં આગ લાગી ત્યારે ત્યાં હાજર રહેલી નર્સ, જૂનિયર તબીબો, સ્ટાફ મેમ્બર્સે જીવની પરવા કર્યા વગર બચાવવા કૂદી પડ્યા હતા.
Bhopal Kamla Nehru Hospital Fire: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની હમીદીયા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કમલા નેહરુ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા લાગેલી આગમાં ચાર બાળકોના મોત થયા હતા. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા પીડિયાટ્રિક વોર્ડમાં લાગેલી આગ પર આશરે 3 કલાક બાદ કાબુ મેળવાયો હતો. આગ લાગી ત્યારે ત્યાં હાજર રહેલી નર્સ, જૂનિયર તબીબો અને કેટલાક સ્ટાફ મેમ્બર્સે પોતાના જીવની પરવા કર્યા વગર નવજાતને બચાવવા કૂદી પડ્યા હતા. તેમણે એસએનસીયુ વોર્ડમાંથી બાળકોને કાઢીને હોસ્પિટલમાં સલામત સ્થળે ખસેડ્યા હતા. આ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટાફને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
આઉટસોર્સિંગ એમ્પલોઇ તરીકે હેલ્પ ડેસ્ક પર કામ કરતાં રત્નેશ તિવારી નામના 28 વર્ષીય યુવકે ફ્રી પ્રેસ જર્નલને જણાવ્યું કે, ઘટના બની તે સમયે હું ડ્યુટી પર હતો. જેવો કોલ આવ્યો કે તરત જ હું બાળકોને બચાવવા પહોંચી ગયો. મેં ફાયર બ્રિગેડમાં કામ કરતાં મારા મિત્રને દાનિશને ફોન કર્યો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી ત્યારે મેં તેમને પાઇપ બીછાવવા અને પાણીનો છંટકાવ કરવામાં મદદ કરી. વેન્ટીલેશન માટે મેં વોર્ડમાં પહોંચીને બારીઓના કાચ તોડવાનું શરૂ કર્યું. જે બાદ એસએનસીયુ વોર્ડમાં દાખલ થયો ત્યારે ત્યાં અંધારું હતું અને ચારેબાજુ ધૂમાડો હતો. મેં બાળકોને બેડમાંથી ઉંચકીને નજીકમાં આવેલા પીઆઈસીયુમાં ખસેડવાનું શરૂ કર્યુ હતું.
થોડા સમય બાદ મને ગૂંગળામણ થવા લાગી અને હું પડી ગયો. કેટલાક લોકોએ આવીને મને બચાવ્યો. એક કલાક પછી હું ભાનમાં આવ્યો. મારું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને બ્લડ ઓક્સિજન લેવલ ઘટીને 75 થઈ ગયું હતું.
29 વર્ષીય નર્સ રીના નિંગવાલે કહ્યું, તે સમયે હું એસએનસીયુમાં ડ્યુટી પર હતી. આગ મારી નજર સામે જ લાગી હતી. ડોક્ટરોએ અગ્નિશમન શસ્ત્રોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી. પરંતુ કોઈકે વીજ પૂરવઠો બંધ કરી દેતાં મુશ્કેલી ઉભી થઈ હતી. વોર્ડમાં અંધારું છવાઈ ગયું હતું અને ધૂમાડાના કારણે સ્થિતિ ભયાવહ બની હતી. અમે બાળકોને પીઆઈસીયુ વોર્ડમાં ખસેડવાના શરૂ કર્યા હતા. મેં કેટલા બાળકોને શિફ્ટ કર્યા હતા તે યાદ નથી. આ ઘટના અંગે સાંભળતા જ મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. બાળકોને બચાવ્યા બાદ હું બેભાન થઈ ગઈ હતી અને આ કારણે મારે બે દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.
ડો.રઘુરાજ સિંહ રાજપૂત પણ ઘટનાના દિવસે ડ્યુટી પર હતા. તેમણે પણ આ શિશુઓનો જીવ બચાવવા પોતાની જાતની પરવા કરી નહોતી. સુદીપ્તા નામની નર્સે કહ્યું, તે સમેય મારી ડ્યુટી હોસ્પિટલ બિલ્ડિંગમાં પાંચમા માળે આવેલા પીડિયાટ્રિક મેડિસિન વોર્ડમાં હતી. મારી ડ્યુટી 8 વાગે શરૂ થતી હતી. હું મારા વોર્ડ સુધી પહોંચું તે પહેલા મને બીજા માળેથી આગ લાગ્યાનો અવાજ સંભળાયો. હું ઝડપથી ત્યાં પહોંચી ત્યારે ત્યાં ધૂમાડો અને અંધારુ હતું. કંઈ દેખાતું નહોતું. હું ગમે તેમ કરીને એસએનસીયુના દરવાજા સુધી પહોંચી ગઈ પણ કોઈએ મને અંદર જવા ન દીધી. જે બાદ હું બાળકોને બચાવીને લઈ જવામાં આવ્યા હતા તે પીઆઈસીયુમાં પહોંચી. જ્યાં જઈને જોયું તો કેટલાક બાળકો ઠંડા પડી રહ્યા હતા. તેમને કોટન અને શીટમાં વીંટાળીને ગરમી આપવાનું શરૂ કર્યું, જ્યારે કેટલાકને ઓક્સિન આપવાનું શરૂ કર્યું. જે બાદ મેં બચી ગયેલા બાળકોને મારા વોર્ડમાં લઈ જવાનું નક્કી કર્યું. અમે તેમને શિફ્ટ કરવા લાગ્યા. બધા બાળકો પહોંચી ગયા બાદ અમે તેમને ડ્રીપ પર રાખ્યા. મારી નજર સામે આટલા બધા બાળકોને બચાવ્યા તે જોઈને ખુશી થઈ.