બિહારના રાજકારણમાં ભૂકંપ: ચૂંટણી પહેલાં આ સાથી પક્ષે NDA સાથે તોડ્યો સંબંધ
Bihar Politics: દલિત અને લઘુમતી વિરોધી નીતિઓનો આરોપ લગાવી RLJPએ જણાવી નવી રાજકીય યોજના.

Pashupati Paras: બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. પશુપતિ કુમાર પારસની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP)એ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સાથે પોતાના સંબંધો તોડી નાખ્યા છે. પાર્ટીએ NDA પર દલિત અને લઘુમતી વિરોધી નીતિઓનો અમલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
સોમવારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ પર RLJP દ્વારા આયોજિત સંકલ્પ મહાસંમેલનમાં પક્ષના વડા પશુપતિ કુમાર પારસે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર અને બિહારની નીતીશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પારસે વકફ સુધારા કાયદા અને ચોકીદાર-દફાદારની નિમણૂકોમાં પાસવાન જાતિની અવગણના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની NDA સરકાર અત્યંત દલિત અને લઘુમતી વિરોધી છે.
પશુપતિ પારસે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે ડૉ. આંબેડકર જયંતિના દિવસે હું NDA સાથે મારી પાર્ટીના સંબંધો તોડવાની જાહેરાત કરું છું. હવે અમે નવું બિહાર બનાવીશું અને રાજ્યની તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પર પાર્ટીને મજબૂત કરીશું. તેમણે વધુમાં કહ્યું કે જે પણ જોડાણ અમને યોગ્ય સન્માન આપશે, અમે તેની સાથે જોડાવા તૈયાર છીએ. પાર્ટી ટૂંક સમયમાં એક મોટું જન આંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહી છે અને અમે દલિતો, પછાત અને વંચિત વર્ગો માટે અમારી લડત ચાલુ રાખીશું.
આ પ્રસંગે પશુપતિ પારસે સરકાર પાસે રામવિલાસ પાસવાનને ભારત રત્નથી સન્માનિત કરવાની અને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં અનામત લાગુ કરવાની પણ માંગણી કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રવણ કુમાર અગ્રવાલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું અને વિધાનસભા ચૂંટણીમાં RLJP મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમનું સંચાલન મુખ્ય મહામંત્રી કેશવસિંહે કર્યું હતું. આલોક પાસવાને પણ આ પ્રસંગે RLJPનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. પાસવાન પરિવારમાં ચાલી રહેલા ઝઘડા અંગે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ સૂરજ ભાન સિંહે કહ્યું કે યોગ્ય સમય આવ્યે તેઓ સત્ય જાહેર કરશે અને રામવિલાસ પાસવાનને ભગવાન સમાન ગણાવ્યા હતા.
આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ પ્રિન્સ રાજ પાસવાન, વિધાન પરિષદ ભૂષણ કુમાર રાય, રાષ્ટ્રીય મહાસચિવ સાંસદ ચંદન સિંહ સહિત અનેક નેતાઓએ પણ સંબોધન કર્યું હતું. NDA સાથે RLJPના સંબંધો તૂટવાથી બિહારના રાજકારણમાં નવા સમીકરણો બનવાની શક્યતા છે.





















