Biporjoy : બિપરજોયે ધારણ કર્યું ભયાનક સ્વરૂપ, ગુજરાતમાં વર્તાવશે કાળો કેર : IMD
IMD અનુસાર, ચક્રવાત 'બિપરજોય' 15 જૂનની સાંજે 'અત્યંત ગંભીર ચક્રવાત' તરીકે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
Cyclone Biparjoy Updates : ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે, બિપરજોય ચક્રવાતે અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી રહ્યું છે તેમ તેમને તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેથી ચક્રવાત 'બિપરજોય'થી ભારે નુકસાન થવાની ધારણા છે અને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ તેનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે આ માહિતી આપી.
IMD અનુસાર, ચક્રવાત 'બિપરજોય' 15 જૂનની સાંજે 'અત્યંત ગંભીર ચક્રવાત' તરીકે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકથી મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે,બિપરજોયના કહેરના કારણે ઘણું નુકસાન થઈ શકે છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં 15 જૂને 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં આટલો વરસાદ પડતો નથી. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે.
IMD અનુસાર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના આ જિલ્લાઓમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા ભરતીના મોજા આવી શકે છે. આવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન કરવામાં આવે છે.
અમારી તૈયારી પૂર્ણ : કોસ્ટગાર્ડના આઈજી
દરિયાઈ તોફાન બિપરજોય અંગે કોસ્ટગાર્ડ આઈજી મનીષ પાઠકે જણાવ્યું હતું કે , અત્યારે દરિયામાં કોઈ ફિશિંગ બોટ નથી. તમામ વેપારી જહાજોને સૂચના આપવામાં આવી છે. અમે 7 જૂનથી જાહેરાત કરી રહ્યા છીએ કે કોઈએ દરિયામાં ન જવું જોઈએ, તેની અસર થઈ છે. અમે તોફાનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ગઈકાલે અમે ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા 50 લોકોને ઓઈલ રિંગમાંથી બચાવ્યા છે. અમે બચાવ અને રાહત માટે અમારા 7 યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. ડોર્નિયરને પણ ઓપરેશનમાં દબાવવામાં આવ્યું છે. ડિઝાસ્ટર રિલીફની 31 ટીમો તૈનાત છે, તેમની પાસે લાઈફ બોટ, લાઈફ જેકેટ જેવા તમામ સાધનો છે.