Viral Video: બર્થડે કેકમાં મિત્રોએ છુપાવ્યો 'બોમ્બ', મીણબત્તી પ્રગટાવતા જ થયો પ્રચંડ વિસ્ફોટ; વીડિયો જોઈ હચમચી જશો
મજાક બની શકે છે જીવલેણ: સોશિયલ મીડિયા પર યુઝર્સે ઠાલવ્યો રોષ, કહ્યું- 'આવા મિત્રો હોય તો દુશ્મનની શું જરૂર?'.

birthday cake bomb incident: સોશિયલ મીડિયા પર હાલ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દરેક માટે લાલ બત્તી સમાન છે. જન્મદિવસની ઉજવણીમાં મિત્રો દ્વારા કરવામાં આવેલી એક ભયાનક મજાક દુર્ઘટનામાં ફેરવાતા સહેજમાં રહી ગઈ હતી. કેટલાક યુવકોએ બર્થડે બોયને સરપ્રાઈઝ આપવાના બહાને કેકની અંદર ફટાકડાની મોટી લૂમ કે વિસ્ફોટક સામગ્રી છુપાવી દીધી હતી. જેવી યુવકે મીણબત્તી પ્રગટાવી, કેકમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગનો ગોળો ફાટી નીકળ્યો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ વીડિયો જોઈને ઇન્ટરનેટ યુઝર્સ ચોંકી ઉઠ્યા છે.
મિત્રોએ કેકમાં છુપાવ્યો હતો ફટાકડાનો 'બોમ્બ'
ઘણીવાર મિત્રતામાં કરવામાં આવતી મજાક મર્યાદા વટાવી જાય ત્યારે તે આખી જિંદગીનો પસ્તાવો બની જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મિત્રોનું એક ગ્રુપ બર્થડે બોય માટે કેક લઈને આવે છે. જોકે, તેમનો ઈરાદો માત્ર સેલિબ્રેશનનો ન હતો. તેમણે દુકાનમાંથી ખરીદેલી કેકની અંદર ફટાકડાની મોટી દોરી (લૂમ) છુપાવી દીધી હતી અને તેને ઉપરથી ક્રિમ વડે ઢાંકી દીધી હતી જેથી કોઈને શંકા ન જાય. જ્યારે કેક કાપવાનો સમય આવ્યો ત્યારે બધા મિત્રો ભેગા થયા અને છોકરાને કેક કાપવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા.
View this post on Instagram
મીણબત્તી સળગાવતા જ થયો ધડાકો
જેવો બર્થડે બોય કેક પર લાગેલી મીણબત્તી પ્રગટાવવા ગયો, ત્યાં જ એક ભયાનક દ્રશ્ય સર્જાયું. મીણબત્તીની જ્યોત કેકની અંદર રહેલા ફટાકડાના સંપર્કમાં આવતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થયો. ધડાકો એટલો તીવ્ર હતો કે આખી કેમેરા ફ્રેમ ધુમાડા અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ. ત્યાં હાજર લોકો અને જેનો જન્મદિવસ હતો તે છોકરો જીવ બચાવવા માટે તાત્કાલિક દૂર ભાગ્યા હતા. આ ઘટનામાં ચહેરા પર ગંભીર ઈજા કે દાઝી જવાનો મોટો ખતરો હતો, પરંતુ નસીબજોગે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
યુઝર્સે કહ્યું - "આવી મજાક ન હોય"
ઇન્સ્ટાગ્રામ પર ganesh_shinde8169 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વીડિયોને લાખો (Millions) લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના નેટીઝન્સ આ પ્રકારની હરકતથી ગુસ્સે ભરાયા છે.
એક યુઝરે લખ્યું, "આ લોકો મિત્રો કહેવાને લાયક નથી, આ દુશ્મન જેવું કામ છે."
બીજા એક યુઝરે ચેતવણી આપતા લખ્યું, "આવી મૂર્ખામીભરેલી મજાક ગંભીર અકસ્માતોને આમંત્રણ આપે છે."
અન્ય લોકોએ પણ આને "ગંદી અને જીવલેણ મજાક" ગણાવીને ટીકા કરી હતી.





















