Karnataka: રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે 3 બેઠકો જીતી, કોંગ્રેસને એક બેઠક મળી, JDS ખાલી હાથ
Rajya Sabha Election 2022: કોંગ્રેસ રાજ્યમાંથી જયરામ રમેશને રાજ્યસભામાં મોકલવામાં સફળ રહી છે.બીજી તરફ જેડીએસને નિરાશા સાંપડી છે.
Rajya Sabha elections 2022 in Karnataka : રાજ્યસભા ચૂંટણીના પરિણામોમાં કર્ણાટકમાંથી ભાજપ માટે સારા સમાચાર છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એ 3 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી છે. બીજી તરફ જેડીએસને નિરાશા સાંપડી છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, લહર સિંહ સિરોયા અને અભિનેતા જગેશ હવે કર્ણાટકમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ બની ગયા છે. તો કોંગ્રેસ રાજ્યમાંથી જયરામ રમેશને રાજ્યસભામાં મોકલવામાં સફળ રહી છે.
4 બેઠકો માટે મતદાન
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આજે મતદાન થયું હતું. ચોથી બેઠકના પરિણામો પર શંકા હતી, જેના પર રાજ્યના ત્રણ મુખ્ય પક્ષો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જ્યારે ત્રણેય પાસે જીતવા માટે જરૂરી મતો નહોતા.
ચોથી બેઠક પર આમની વચ્ચે જંગ થયો
કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને પાર્ટીના રાજ્ય એકમના મહાસચિવ મન્સૂર અલી ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. કુપેન્દ્ર રેડ્ડી જનતા દળ (સેક્યુલર) તરફથી ઉપલા ગૃહમાં પહોંચવાની રેસમાં સામેલ હતા. રાજ્યમાંથી ઉપલા ગૃહની ચોથી બેઠક માટે સિરોયા, ખાન અને રેડ્ડી વચ્ચે સીધો મુકાબલો માનવામાં આવી રહ્યો હતો. જેડીયુ (સેક્યુલર) એ ગુરુવારે રાત્રે તેના ધારાસભ્યોને એક હોટલમાં શિફ્ટ કર્યા હતા. તેમના કોલારના ધારાસભ્ય શ્રીનિવાસ રેડ્ડીએ પહેલેથી જ કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી દીધી હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસને 3, ભાજપને એક બેઠક મળી
રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે અહીં ત્રણ બેઠકો જીતી છે. રાજ્યસભાની ચૂંટણીમાં રણદીપ સુરજેવાલાને 43 વોટ મળ્યા જ્યારે મુકુલ વાસનિકને 42 વોટ મળ્યા. વાસનિકના ખાતા પરનો એક મત રદ્દ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા હતા. પ્રમોદ તિવારીને 41 મત મળ્યા હતા. તો સામે ડૉ. સુભાષ ચંદ્રના ખાતામાં 30 મત આવ્યા. ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી જતાં કોંગ્રેસ છાવણીમાં ખુશીનો માહોલ છે.