જાસૂસની જેમ પૂછપરછ, સૂવા પર પ્રતિબંધ: પાકિસ્તાનથી પરત ફરેલા BSF જવાને વર્ણવી કેદની ભયાનકતા!
BSF જવાન ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી ગયો હતો, ૨૩ દિવસ બાદ થયો પરત; પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લીધા બાદ ૩ અલગ અલગ જગ્યાએ ફેરવ્યો, એરબેઝ પર પણ લઈ ગયા.

BSF jawan Purnam Kumar Shaw: આંતરરાષ્ટ્રીય સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયેલા અને ત્યાંની પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં રહેલા ભારતીય BSF જવાન પૂર્ણમ કુમાર શોને બુધવારે (૧૪ મે, ૨૦૨૫) પાકિસ્તાન દ્વારા ભારતને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના દેશ પરત ફર્યા બાદ, BSF જવાને પાકિસ્તાનમાં કેદ દરમિયાન ભોગવેલી યાતનાઓ અને માનસિક ત્રાસની ભયાનક અગ્નિપરીક્ષા વર્ણવી છે.
BSF જવાન પૂર્ણમ કુમાર શો ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. BSF દ્વારા અપાયેલી માહિતી મુજબ, તેઓ ખેડૂતો સાથે ગેટ નંબર ૨૦૮/૧ થી વાડ ઓળંગીને ઘઉં કાપવા ખેતરોમાં ગયા હતા અને દેખરેખ માટે તેમની સાથે બે BSF જવાન પણ હતા. ગરમીને કારણે, શો નજીકના ઝાડની છાયામાં બેઠા હતા. ત્યારે ત્યાં હાજર એક પાકિસ્તાની ખેડૂતે તેમને જોયા અને પાકિસ્તાની રેન્જર્સને જાણ કરી. થોડીવારમાં, પાકિસ્તાન રેન્જર્સ ત્યાં પહોંચી ગયા અને શોની ધરપકડ કરી, તેમની રાઇફલ પણ છીનવી લેવામાં આવી હતી.
પાકિસ્તાનમાં ભોગવેલી યાતના
પૂર્ણમ કુમાર શોએ પાકિસ્તાનમાં વિતાવેલા લગભગ ૨૩ ભયાનક દિવસોને યાદ કર્યા. તેમણે ફોન પર પોતાની પત્ની રજની સાથે વાત કરતા જણાવ્યું કે જ્યારે તેઓ પાકિસ્તાનમાં કેદ હતા, ત્યારે તેમને સૂવા પણ દેવામાં આવતા ન હતા. પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ તેમની સતત એવી રીતે પૂછપરછ કરતા રહ્યા જાણે કે તેઓ કોઈ જાસૂસ હોય. પૂર્ણમ શોએ જણાવ્યું કે તેમને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો ન હતો, પરંતુ દરરોજ રાત્રે થતી પૂછપરછના કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ થાકી ગયા હતા.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, શોની પત્ની રજનીએ જણાવ્યું કે, "તેમને (પૂર્નમ શો) નિયમિતપણે ખોરાક આપવામાં આવતો હતો, પરંતુ તેમને દાંત સાફ કરવાની (બ્રશ કરવાની) મંજૂરી નહોતી. જ્યારે તેઓ બોલતા હતા, ત્યારે તેઓ ખૂબ થાકેલા દેખાતા હતા અને કહેતા હતા કે તેઓ સૂઈ શકતા નથી." પૂર્ણમ શોને તેમની કેદ દરમિયાન ત્રણ અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેમને એરબેઝ પર પણ લઈ જવામાં આવ્યા હોવાનું રજનીએ જણાવ્યું હતું.
પત્નીની ભાવુકતા અને આભાર વ્યક્ત:
૨૩ દિવસ બાદ પતિ સાથે વાત કરતી વખતે રજની ભાવુક થઈ ગઈ હતી અને તેમને ભાવુક જોઈને તેમના પતિ પણ ભાવુક થઈ ગયા હતા. પતિના સુરક્ષિત દેશ પરત ફરવા પર રજનીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, "આ બધાના યોગદાનને કારણે શક્ય બન્યું છે. હું પીએમ મોદીનો આભાર માનવા માંગુ છું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અમને ખૂબ ટેકો આપ્યો છે." રજનીએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના માહોલમાં તેઓ ખૂબ જ ડરતા હતા કે આગળ શું થશે, પરંતુ ભારત સરકારના સમર્થન અને પ્રયાસોથી તેમના પતિ પોતાના દેશ પરત ફર્યા છે. પૂર્ણમ કુમાર શોની પરત ફરવાથી તેમના પરિવાર અને BSFમાં રાહતની લાગણી પ્રસરી છે.





















