By-Elections: છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું આજે પરિણામ, વિપક્ષના ગઠબંધનની થશે પરીક્ષા
By-Elections:આવી સ્થિતિમાં આ પરિણામ વિપક્ષના નવા ગઠબંધનની પરીક્ષા હશે
By-Elections: છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામ આજે એટલે કે શુક્રવારે આવશે. એક રીતે આ પેટાચૂંટણીને વિપક્ષના નવા ગઠબંધન ‘ઇન્ડિયા’ અને NDA વચ્ચેની પ્રથમ હરીફાઈ માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ પરિણામ વિપક્ષના નવા ગઠબંધનની પરીક્ષા હશે. આ ચૂંટણી પહેલા જ વિપક્ષે I.N.D.I.Aના નામે એક નવું ગઠબંધન બનાવ્યું છે.
આ એ સાત બેઠકો છે જ્યાં પેટાચૂંટણી યોજાઈ હતી
જે રાજ્યોમાં આ પેટાચૂંટણીઓ યોજાઈ છે તેમાં ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ છ રાજ્યોની સાત વિધાનસભાની પેટાચૂંટણી 5 સપ્ટેમ્બરે યોજાઈ હતી. હવે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.
એક રિપોર્ટ અનુસાર, ઝારખંડની ડુમરી વિધાનસભા સીટ જગરનાથ મહતો (JMM)ના નિધન બાદ ખાલી પડી હતી. એ જ રીતે કેરળની પુથુપલ્લી વિધાનસભા સીટ ઓમાન ચાંડી (કોંગ્રેસ), ત્રિપુરાની બોક્સાનગર સીટ સમસુલ હક (CPIM) , પશ્ચિમ બંગાળની ધુપગુડી SC વિધાનસભા સીટ બિષ્ણુ પાંડે (BJP) અને ઉત્તરાખંડની બાગેશ્વર (SC) સીટ ચંદન રામ દાસ (ભાજપ)ના નિધનના કારણે ખાલી પડી હતી. ત્રિપુરાની ધાનપુર વિધાનસભા બેઠક ભાજપના નેતા પ્રતિમા ભૈમિકના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેવી જ રીતે, ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા બેઠક દારા સિંહ ચૌહાણે સપામાંથી રાજીનામા આપતા ખાલી પડી હતી. તમામ બેઠકો પર ભારે મતદાન નોંધાયું હતું.
કેટલું મતદાન થયું હતું
આ વિધાનસભા સીટો પર 5 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. જેમાં યુપીની ઘોસી સીટ પર 49.42 ટકા, બંગાળની ધૂપગુડી સીટ પર 74.35 ટકા, ત્રિપુરાની બોક્સાનગર સીટ પર 86.34 ટકા અને ધાનપુર સીટ પર 81.88 ટકા મતદાન નોંધાયું હતું. ઉત્તરાખંડની બાગેશ્વર સીટ પર 55.35 ટકા અને ઝારખંડની ડુમરીમાં 64.84 ટકા મતદાન થયું હતું. કેરળની પુથુપલ્લી સીટ પર 71.84 ટકા મતદાન થયું હતુ.