Chardham Yatra 2023: હવે ભક્તો ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે, સરકારે કરી આ તૈયારીઓ
ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પુષ્કર સિંહ ધામી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
Chardham Yatra 2023: ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં ચારધામ યાત્રા (Chardham Yatra 2023) શરૂ થવા જઈ રહી છે, જેના માટે સરકારે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત વખતની જેમ આ વખતે પણ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. યાત્રા શરૂ થયા પહેલા જ અત્યાર સુધીમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન (Online Ragistraion) કરાવ્યું છે. આ સાથે જ સરકારે નોંધણીને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી ભક્તો માટે ચાર ધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશનનો (Offline Ragistration) વિકલ્પ રહેશે.
ચારધામ યાત્રા (Chardham Yatra 2023) માટે આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પુષ્કર સિંહ ધામી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે યાત્રા માટે આવનાર શ્રદ્ધાળુઓ સામે ઓફલાઈન રજીસ્ટ્રેશનનો વિકલ્પ હશે. નોંધણી વગર ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ઓફલાઈન કેન્દ્રો વધારવામાં આવશે. ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા હોટલોમાં પણ ઉપલબ્ધ હશે, જેથી ભક્તોને રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી ન પડે.
હોટેલ્સમાં ઑફલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા પણ હશે
સીએમ ધામીએ કહ્યું કે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે અરજી કર્યા બાદ ભક્તોએ એક-બે દિવસ રાહ જોવી પડશે, ત્યારબાદ તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ ઉપરાંત, અધિકારીઓ પાસે નોંધણી માટે ઇમરજન્સી ક્વોટા હશે, કટોકટીના કિસ્સામાં, અધિકારીઓ તેનો ઉપયોગ કરી શકશે. સરકારે ઓફલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે જેથી કોઈ પણ ભક્ત કોઈ કારણસર દર્શન કર્યા વગર પરત ન ફરે, તેમની પાસે અન્ય વિકલ્પો પણ હોવા જોઈએ.
ચારધામ યાત્રાની તૈયારીઓમાં પ્રશાસન વ્યસ્ત
બીજી તરફ ડીએમ અભિષેક રુહેલાએ અધિકારીઓને ચારધામ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા સૂચના આપી છે. આ અંતર્ગત યાત્રા સાથે જોડાયેલા તમામ અધિકારીઓને દરરોજ કરવામાં આવનારા કામોનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. યાત્રાને લગતા તમામ વિભાગોને રોજીંદી કામગીરી માટે એકશન પ્લાન તૈયાર કરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવાયું છે. ડીએમએ જિલ્લા પંચાયત અને પશુપાલન વિભાગને ઘોડા અને ખચ્ચરની નોંધણી ઝડપી બનાવવા સૂચના આપી છે.
આ ઉપરાંત શ્રધ્ધાળુઓની સુવિધા માટે નિર્માણાધીન શૌચાલયના કામમાં ઝડપ લાવવા, આરોગ્ય તંત્રને બંદોબસ્ત ગોઠવવા તેમજ દવાઓ અને ઓક્સિજનનો પુરતો જથ્થો મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.