CJI Sanjiv Khanna: જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા ભારતના 51મા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
જસ્ટિસ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 13 મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે
CJI Sanjiv Khanna Oath: જસ્ટિસ સંજીવ ખન્ના દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 13 મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક ચુકાદાઓનો હિસ્સો રહ્યા છે.
#WATCH | Delhi: President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Sanjiv Khanna at Rashtrapati Bhavan. pic.twitter.com/tJmJ1U3DXv
— ANI (@ANI) November 11, 2024
દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી
જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હીની મોડર્ન સ્કૂલ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવ્યા પછી તેમણે 1983માં દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 2005માં દિલ્હી હાઈકોર્ટના જજ બન્યા હતા. જાન્યુઆરી 2019માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ફોજદારી, સિવિલ, ટેક્સ અને બંધારણીય કાયદાઓમાં નિષ્ણાત માનવામાં આવે છે.
#WATCH | Delhi: Justice Sanjiv Khanna took oath as the 51st Chief Justice of India at Rashtrapati Bhavan in the presence of President Droupadi Murmu, PM Narendra Modi and other dignitaries. pic.twitter.com/PbFsB3WVVg
— ANI (@ANI) November 11, 2024
પિતા દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે
જસ્ટિસ સંજીવ ખન્ના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના પિતા દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ હતા. તેમના કાકા જસ્ટિસ હંસ રાજ ખન્ના હતા, જે દેશના સૌથી પ્રતિષ્ઠિત ન્યાયાધીશોમાંના એક હતા. જસ્ટિસ એચઆર ખન્નાએ 1976માં ઈમરજન્સી દરમિયાન સરકાર વિરુદ્ધ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 5 ન્યાયાધીશોની બેન્ચમાં તેઓ એકમાત્ર ન્યાયાધીશ હતા, જેમણે કહ્યું હતું કે નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને ઇમરજન્સીમાં પણ અવરોધિત કરી શકાતી નથી. એવું માનવામાં આવે છે કે આ કારણોસર તત્કાલિન ઈન્દિરા ગાંધીએ તેમના બદલે તેમનાથી જૂનિયર જજને ચીફ જસ્ટિસ બનાવ્યા હતા. આ પછી જસ્ટિસ એચઆર ખન્નાએ રાજીનામું આપી દીધું હતું.
અનેક મોટા ચુકાદા આપ્યા
જસ્ટિસ સંજીવ ખન્નાએ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર માટે તત્કાલિન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે PMLA એક્ટની કડક જોગવાઈઓ કોઈને ટ્રાયલ વિના લાંબા સમય સુધી જેલમાં રાખવાનો આધાર બની શકે નહીં.
26 એપ્રિલે લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે મત ગણતરીમાં VVPAT અને EVMના 100 ટકા મેચિંગની માંગને નકારી કાઢી હતી. જો કે, તેમણે એવો પણ આદેશ આપ્યો હતો કે ઉમેદવાર ચૂંટણી પરિણામોના 7 દિવસની અંદર ફરીથી તપાસની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં માઇક્રો કંન્ટ્રોલર મેમરીની તપાસ એન્જિનિયરો કરશે. ઉમેદવાર આ પ્રક્રિયાનો ખર્ચ ઉઠાવશે. જસ્ટિસ સંજીવ ખન્ના એ બેન્ચના સભ્ય હતા જેમણે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા.