Shimla Cloud Burst:શિમલામાં ભારે વરસાદની વચ્ચે વાદળ ફાટતાં તબાહી, અનેક વાહનો તણાયા
Shimla Cloud Burst: 24 મેના રોજ શિમલાના રામપુરમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઇ છે. જગતખાના વિસ્તારમાં ઘણા વાહનો તણાઈ ગયા હતા, જેના કારણે મોટું નુકસાન થયું છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Shimla Cloud Burst: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં શનિવાર (24 મે) સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાત્રે શિમલાના રામપુર વિસ્તારમાં પણ વાદળ ફાટવાના અહેવાલ મળ્યાં હતા. રામપુર નજીક જગતખાના વિસ્તારમાં વાદળ ફાટવાથી મોટા નુકસાનની શક્યતા છે. અહીં પૂરમાં ઘણા વાહનો તણાઈ ગયા છે. હાલમાં રાત્રિથી જ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, શનિવારે સાંજે 6.00 વાગ્યાની આસપાસ રામપુરના બાગલાતમાં જગતખાના વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની ઘટના બની હતી. આનાથી ભારે તબાહી સર્જાઇ છે. લોકોનું કહેવું છે કે, વાદળ ફાટવાને કારણે ઉપરથી મોટો કાટમાળ નીચે આવ્યો હતો, જેના કારણે રસ્તા પર પાર્ક કરેલા વાહનો તૂટી ગયા હતા શરૂઆતના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે 10 વાહનો પાણીમાં તણાઈ ગયા હતા. જોકે, ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી.
વાદળ ફાટવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, 24 મે, શનિવારના રોજ સાંજે 6.00 વાગ્યાથી શિમલામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી રહ્યો હતો. આ પછી અચાનક વાદળ ફાટ્યું અને પૂર આવ્યું. વાદળ ફાટવાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર આવ્યું છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.
આગામી 6 દિવસ માટે એલર્ટ જાહેર
શિમલાના હવામાન કેન્દ્રે 24 મે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે 30 મે સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે અને આવી સ્થિતિમાં, આગામી 6 દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં તોફાન અને વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે 25 અને 26 મેના રોજ સિરમૌર, સોલન, શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા અને ચંબા જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે, જ્યારે 27-28 મેના રોજ રાજ્યભરમાં ભારે પવન અને વીજળી પડવા માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યો છે.
ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલની મુલાકાત લે છે
મેદાની વિસ્તારોમાં તાપમાન વધવાની સાથે પર્વતોમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મોટાભાગના પર્યટન સ્થળો પ્રવાસીઓથી ધમધમતા હોય છે. જૂન મહિના માટે હોટલોમાં એડવાન્સ બુકિંગ પહેલેથી જ ચાલી રહ્યું છે અને તેમાંથી મોટાભાગની હોટલો ભરાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જો હવામાન ખરાબ થાય છે, તો લોકોએ પોતે જ સાવચેત રહેવું પડશે





















