'સરકારે ગાંધીજી અને બાબા સાહેબનું અપમાન કર્યું', કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ખડગેએ સાધ્યું નિશાન
સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી છે.

અમદાવાદમાં મંગળવાર (8 એપ્રિલ, 2025) ના રોજ બે દિવસીય કોંગ્રેસ અધિવેશન શરૂ થયું હતું. પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.
સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મારા ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલગાવ કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા. અમે 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દી ઉજવી હતી. ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છ. દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ – આ બધા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા.
ખડગેએ કહ્યું કે ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું હતું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી. આજે કોમી વિભાજન કરીને દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ Oligarchic Monopoly દેશના સંસાધનો કબજે કરીને શાસનને નિયંત્રિત કરવાના માર્ગ પર છે.
પટેલ જયંતિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે
સરદાર પટેલનો ઉલ્લેખ કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ આ વર્ષે 31 ઓક્ટોબરે છે. નેહરુ તેમને ભારતની એકતાના સ્થાપક કહેતા હતા. આપણે દેશભરમાં તેમની 150મી જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહથી ઉજવીશું. સરદાર સાહેબ કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેમના નેતૃત્વ હેઠળ કરાચી કોંગ્રેસમાં પસાર થયેલા મૂળભૂત અધિકારો અંગેના ઠરાવો ભારતીય બંધારણનો આત્મા છે.
'આ લોકો પટેલ અને નેહરુ વચ્ચેના સંબંધોને લઇને વિશે કાવતરું ઘડે છે'
ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેશમાં 140 વર્ષથી સેવા અને સંઘર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ કામ એવા લોકો કરી રહ્યા છે જેમની પાસે પોતાની સિદ્ધિઓ બતાવવા માટે કંઈ નથી. સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન વિશે બતાવવા માટે કંઈ નથી. ખડગેએ કહ્યું કે તેઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધોને એવી રીતે દર્શાવવાનું કાવતરું ઘડે છે કે જાણે બે નાયકો એકબીજાની વિરુદ્ધ હોય જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોના સાક્ષી છે.
'મોદી સરકારે ગાંધીજી અને બાબા સાહેબનું અપમાન કર્યું'
RSS પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે RSS એ ગાંધીજી, પંડિત નેહરુ, આંબેડકર અને કોંગ્રેસની ખૂબ ટીકા કરી હતી. રામલીલા મેદાનમાં બંધારણ અને આ નેતાઓના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંધારણ મનુવાદી આદર્શોથી પ્રેરિત નથી. મોદી સરકાર અંગે ખડગેએ કહ્યું કે મોદી સરકારે સંસદ પરિસરમાંથી ગાંધીજી અને બાબા સાહેબની ભવ્ય પ્રતિમાઓ હટાવીને એક ખૂણામાં મૂકીને તેમનું અપમાન કર્યું છે. ગૃહમંત્રીએ રાજ્યસભામાં બાબા સાહેબની મજાક ઉડાવી કે તમે લોકો આંબેડકર, આંબેડકર, આંબેડકર બોલતા રહો છો, જો તમે ભગવાનનું નામ આટલી વાર લીધું હોત તો તમને 7 જન્મો સુધી સ્વર્ગ મળ્યું હોત. કોંગ્રેસ પાર્ટી બંધારણ અને તેના નિર્માતાઓ બંનેનું સન્માન કરે છે અને તેનું રક્ષણ કેવી રીતે કરવું તે જાણે છે.
તેમણે કહ્યું કે ગુજરાત એ પ્રાંત છે જ્યાંથી કોંગ્રેસને તેના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ મળી છે. આજે આપણે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. આપણી વાસ્તવિક તાકાત આપણા દેશની એકતા, અખંડિતતા અને સામાજિક ન્યાયની વિચારધારા છે, પરંતુ આજે તે વિચારધારાને આગળ વધારવા માટે આપણે પહેલા પોતાને મજબૂત બનાવવા અને પછી આપણા સંગઠનને મજબૂત બનાવવા જરૂરી છે.
અંતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરદાર પટેલે કહ્યું હતું કે સંગઠન વિના સંખ્યા બળ બેકાર છે. સંગઠન વિના, સંખ્યા બળ શક્તિ વાસ્તવિક શક્તિ નથી. જો સૂતરના દોરા અલગ અલગ રહેતા હોય તો અલગ વાત હોય છે. પરંતુ જ્યારે તેઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે ત્યારે તેઓ કાપડનું સ્વરૂપ ધારણ કરે છે. પછી તેમની શક્તિ, સુંદરતા અને ઉપયોગિતા અદભૂત બની જાય છે.





















