Congress: લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખર્ચ કર્યા 585 કરોડ રૂપિયા, ભંડોળ ઓછું હોવાનો કર્યો હતો દાવો
Congress: આમાંથી લગભગ 70 ટકા પૈસા મીડિયા અભિયાનો અને જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા.
Congress: 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જે કોંગ્રેસે ફંડ ન હોવાનો દાવો કર્યો હતો તેણે ચૂંટણી પંચને માહિતી આપી હતી કે તેણે સંસદીય ચૂંટણીઓ અને તેની સાથે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પર લગભગ 585 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમાંથી લગભગ 70 ટકા પૈસા મીડિયા અભિયાનો અને જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણી અને આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમની વિધાનસભાની ચૂંટણી માટેના તેના ચૂંટણી ખર્ચના અહેવાલમાં કોંગ્રેસે કહ્યું કે તેણે જાહેરાતો અને મીડિયા પ્રચાર પર 410 કરોડ રૂપિયા અને સોશિયલ મીડિયા, એપ્સ અને અન્ય માધ્યમો દ્વારા ડિજિટલ પ્રચાર પર આશરે 46 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સ્ટાર પ્રચારકોની હવાઈ મુસાફરી પર 105 કરોડ રૂપિયા ખર્ચાયા
પાર્ટીએ ચૂંટણી પંચને એ પણ જણાવ્યું કે તેણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેના સ્ટાર પ્રચારકોની હવાઈ મુસાફરી પર લગભગ 105 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, જેમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય નેતાઓનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે પણ ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધી અને અન્ય કેટલાક સહિત તેના અગ્રણી લોકસભા ઉમેદવારોને 11.20 કરોડ રૂપિયાની એકસાથે ચુકવણી કરી હતી. પાર્ટીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પોસ્ટરો, બેનરો, હોર્ડિંગ્સ અને અન્ય પ્રચાર સામગ્રીના પ્રિન્ટિંગ પર કુલ 68.62 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
લોકસભા ચૂંટણીની જાહેરાત સમયે કોંગ્રેસ પાસે વિવિધ ડિપોઝીટના રૂપમાં કુલ 170 કરોડ રૂપિયા હતા. પાર્ટીને 13.76 કરોડની રોકડ થાપણો સહિત વિવિધ સ્વરૂપોમાં કુલ 539.37 કરોડ રૂપિયા મળ્યા હતા.
એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા હતા
મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભંડોળની અછત દર્શાવી હતી કારણ કે આવકવેરા વિભાગે પાછલા વર્ષોના આવકવેરા રિટર્ન અંગેના વિવાદોને કારણે પાર્ટીના કેટલાક બેન્ક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. જોકે, મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ ખાતાઓ પરની રોક હટાવી દેવામાં આવી હતી. કોંગ્રેસે સામાન્ય ચૂંટણીમાં 543 લોકસભા બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી હતી. ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યો છે.
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત