India Corona Cases: ભારતમાં નોંધાશે દૈનિક 20 હજાર કેસ, રોગપ્રતિકારક શક્તિમાં થયો ઘટાડોઃ IIT કાનુપરના વૈજ્ઞાનિકનો દાવો
Covid-19: દેશના મોટા ભાગના લોકોએ રસી લઇ લીધી છે, તમામ એક વખત વાયરસથી સંક્રમિત પણ થઇ ગયા હોવાથી લોકોમાં એક સ્તરની ઇમ્યુનિટી પણ બની ગઇ છે. જેના કારણે જ્યારે પણ કોઇને સંક્રમણ થશે તો વધુ અસરકારક નહીં હોય
India Corona Update: કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ દઇ છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાન હાજર રહેશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન આઇઆઇટી, કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કોરોનાના વધતા કેસો વચ્ચે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વધતા કેસોને સિઝનલ બિમારીની જેમ જોઇ ન શકાય.પ્રોફેસરે દાવો કર્યો છે કે આવનારા બે મહિનામાં દરરોજ 15 થી 20હજાર કેસ સામે આવશે.
શું કહ્યું આઈઆઈટી કાનપુરના પ્રોફેસર
તેમણે જણાવ્યું હતું કે દેશના મોટા ભાગના લોકોએ રસી લઇ લીધી છે અને તમામ એક વખત વાયરસથી સંક્રમિત પણ થઇ ગયા હોવાથી લોકોમાં એક સ્તરની ઇમ્યુનિટી પણ બની ગઇ છે. જેના કારણે જ્યારે પણ કોઇને સંક્રમણ થશે તો વધુ અસરકારક નહીં હોય. કેસોની સંખ્યા વધશે પણ તે લહેર નહીં ગણાય. હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે લહેર નહીં આવે. ગયા વર્ષે જુલાઇમાં પણ નાની લહેર આવી હતી જેમાં દૈનિક 20,000કેસ આવતા હતાં. આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે અને દૈનિક કેસોની સંખ્યા વધીને 2૦,૦૦૦ સુધી જઇ શકે છે. ભારતીયોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ ઘટી છે.
એક સપ્તાહમાં જ કોરોનાએ મચાવ્યો કહેર
ભારતમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર લોકોમાં ડરનો માહોલ પેદા કર્યો છે. છેલ્લા સાત દિવસમાં કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા સરેરાશ બમણી થઈ ગઈ છે. 30 માર્ચથી 5 એપ્રિલની વચ્ચે ભારતમાં કોરોનાના નવા 26 હજાર 361 કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહમાં (23 થી 29 માર્ચ) 13 હજાર 274 હતી. ગુરુવારે (6 એપ્રિલ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશભરમાં કોરોનાના 5 હજાર 335 કેસ નોંધાયા છે.
કેરળ 1912 કોરોના કેસ સાથે યાદીમાં ટોચ પર છે. 6 એપ્રિલે, કોરોનાના દૈનિક કેસોમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગયા વર્ષે 22 સપ્ટેમ્બર પછી આ પ્રથમ વખત છે જ્યારે કોરોનાના દૈનિક કેસ 5 હજારને વટાવી ગયા છે. કેરળ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને યુપી જેવા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
છેલ્લા અઠવાડિયામાં કોરોનાને કારણે મૃત્યુના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક 48 થયો છે. જે અગાઉના સાત દિવસમાં માત્ર 38 હતો. ગુરુવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં બે, કર્ણાટકમાં બે, કેરળમાં એક અને પંજાબમાં એકના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
તેમણે કહ્યું કે કોરોનાના વધતા કેસો છતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા લોકોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. જો કે, સરકાર વતી રાજ્યોને એડવાઈઝરી જાહેર કરીને હોસ્પિટલોને કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.