Corona Vaccine: કોરોના સંક્રમિત અને રસીના બંને ડોઝ લઈ લીધેલા લોકો બીજા વાયરસથી કેટલા છે સુરક્ષિત ? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
Corona Vaccine: આ સ્ટડી રિપોર્ટ પર ડોક્ટર્સનું કહેવું છે કે કુદરતી કોવિડ ઈન્ફેક્શનથી સર્જાયેલી શારીરિક ક્ષમતા અને રસીથી ઈમ્યુનિટીના કારણે બનેલી સંયુક્ત પ્રતિકાર શક્તિ આપણને આ વાયરસથી બચાવે છે.
Coronavirus Vaccine: જો તમે કોરોના સંક્રમિત થયા છો અને તમને રસીના બંને ડોઝ પણ મળી ગયા છે, તો તમારા માટે સારા સમાચાર છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે આવા લોકો અન્ય વાયરસ કરતા વધુ સુરક્ષિત છે. જર્નલ ધ લેન્સેટ ઈંફેક્શિયસ ડિસીઝમાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવાયું છે, વૈજ્ઞાનિકોએ બ્રાઝિલમાં 2 લાખ લોકો પર સંશોધનમાં શોધી કાઢ્યું કે જે લોકો પહેલા કોવિડ પોઝિટિવ હતા તેમની ફાઈઝર અથવા એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી હોસ્પિટલમાં જવાની અથવા મૃત્યુ પામવાની શક્યતા ઓછી હતી. રોગપ્રતિકારક શક્તિ 90% સુધી વધી છે. ચીનની કોરોનાવેક રસીના કિસ્સામાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ 81 ટકા સુધી હતું. જોન્સન એન્ડ જોન્સનની એક જ રસીથી રોગપ્રતિકારક શક્તિ 58 ટકા જેટલી હતી.
આ છે કારણ
આ સ્ટડી રિપોર્ટ પર ડોક્ટર્સનું કહેવું છે કે કુદરતી કોવિડ ઈન્ફેક્શનથી સર્જાયેલી શારીરિક ક્ષમતા અને રસીથી ઈમ્યુનિટીના કારણે બનેલી સંયુક્ત પ્રતિકાર શક્તિ આપણને આ વાયરસથી બચાવે છે. આ સાથે તે શરીરમાં વિકસિત થતા અન્ય વાયરસથી પણ રક્ષણ આપે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
જો સ્વીડનમાં પણ આવું જ સંશોધન કરવામાં આવ્યું તો ત્યાં પણ આવા જ કેટલાક આંકડા જોવા મળ્યા. અહીં જાણવા મળ્યું છે કે કોવિડમાંથી સાજા થયેલા લોકોમાં 20 મહિના સુધી રોગપ્રતિકારક શક્તિ એટલી હતી કે તેઓ કોરોના વાયરસથી સુરક્ષિત હતા. આટલું જ નહીં જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓએ હાઇબ્રિડ રોગપ્રતિકારક શક્તિ દર્શાવી અને તેઓ અન્ય વાયરસથી પણ સુરક્ષિત હતા. જે લોકો કોવિડ પોઝિટિવ બન્યા હતા અને બંને ડોઝ લઈ ચૂક્યા હતા તેઓમાં કોરોના રસી વધુ અસરકારક બની હતી.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આશરે બે વર્ષ બાદ સતત બીજા દિવસે સૌથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 795 નવા કેસ અને 58 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 913 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1096 નવા કેસ નોંધાયા હતા અને 81 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 1208 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 12,054 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,416 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,96,369 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 184,87,33,081 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 0.17 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.22 ટકા છે. રિકવરી રેટ 98.76 ટકા છે.