(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની ત્રીજી લહેર કેટલી ઘાતક હશે અને કેવી રીતે પોતાને સુરક્ષિત રાખશો ? જાણો શું કહે છે એક્સપર્ટ
સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વિજય રાઘવને ત્રીજી લહેરની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર આવશે. તેના માટે વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય.
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આજે દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનથી લઈ દવા, બેડની અછત વર્તાઈ છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વિજય રાઘવને બુધવારે ત્રીજી લહેરની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેર આવશે. તેના માટે વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે જેથી આ નવા કોરોના સ્ટ્રેન સામે લડી શકાય. સાથે રસીકરણને પણ ગતિ આપવી પડશે.
તેમણે કહ્યું કે, નવા કોરોના સ્ટ્રેન સામે લડવા વેક્સિનને અપડેટ કરવાની જરૂર પડશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આપણે નવી લહેરની તૈયારી કરી દેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેક્સિન અપગ્રેડ કરવાની સાથે સર્વેલન્સની પણ જરૂર પડશે. વધુ સાવધાની રાખવી પડશે. એ વાતનો ઈનકાર ના કરી શકાય કે ત્રીજી લહેર દરમિયાન શું સ્થિતિ હશે. તેમણે કહ્યું કે અમે રાજ્ય સરકારોને જરૂરી પગલા લેવા માટે સૂચના આપી છે. યૂકે વેરિએન્ટની અસર હવે ઓછી થઈ રહી છે અને નવા વેરિએન્ટની અસર જોવા મળી રહી છે.
ત્રીજી લહેર કેટલી ઘાતક ?
કોરોનાની ત્રીજી લહેર વિશે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં ડૉક્ટર અજિત સિન્હાએ કહ્યું કે, તે સમય સુધીમાં કોરોના પોતાને પરિવર્તિત કરી શકે છે. એવામાં તેની શું અસર થશે તેના વિશે કંઇ કહી શકાઈ નહીં. તેમણે કહ્યું કે, બીજા તબક્કામાં શું સ્થિતિ સર્જાઈ છે તે કોઈથી છુપાયેલી નથી. બીજા તબક્કામાં બેડ, પરિવહન સહિતની અનેક સમસ્યાઓ આવી. ઓક્સિજનના અભાવનું સંકટ છે, અનેક નિષ્ફળતાઓ આવી છે.
અજિત સિંહા વધુમાં જણાવ્યું કે, જો આરોગ્ય સેવાઓ મજબૂત રાખવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. જો લોકોએ બેદરકારી દાખવી ન હોત તો કોરોનાની બીજી લહેર આટલી બધી ઘાતક ન હોત. લોકો માસ્ક વગર ફરવા લાગ્યા, ગંભીરતા ન લીધી. જો આ માનસિકતા યથાવત્ રહે તો ચોક્કસ ત્રીજી લહેર ખૂબજ ઘાતક બની શકે છે.
ત્રીજી લહેરમાં કેવી રીતે બચશો ?
ડો.અજિત સિન્હાએ કહ્યું હતું કે, કોરોના સમયે લોકોને એકમાત્ર વસ્તુ વચાવી શકે છે, તે છે કોરોના વિશે લોકોમાં જાગૃતિ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ અને સતત સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. આ સાથે, બીજા તબક્કા દરમિયાન સરકાર પણ સમજી ગઈ છે કે, એવામાં સરકાર મહામારીને ગંભીરતાથી લઈને તૈયાર રહે છે અને મેડિકલ જ નહીં પરંતુ પેરામેડિકલ સપોર્ટ સિસ્ટમ્સ બનાવે છે, તો જ આ પડકારોને પહોંચી શકાશે.