Coronavirus: 10 ટકાથી વધારે સંક્રમણ દર ધરાવતાં જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા મોદી સરકારે શું આપ્યો આદેશ ?
46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસ વધ્યા છે અને રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે.
છૂટ આપશો તો પડશે ભારે
કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે. આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત રાજ્યોમાં 80 ટકાથી વધુ એક્ટિવ કેસ હોમ આઇસોલેશનમાં નોંધાયા છે અને આ કેસોની કડક દેખરેખ રાખવાની જરૂર છે જેથી તેઓ અન્ય લોકોને મળે નહીં, અને ચેપ ફેલાય નહીં. આરોગ્ય મંત્રાલયે રાજ્યોને જિલ્લાવાર કોરોનાનાં આંકડાઓ માટે પોતાનો સીરો સર્વે કરવા માટે પણ કહ્યું, કારણ કે રાષ્ટ્રીય સ્તરે આવા સર્વેક્ષણ થોડા મુશ્કેલ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા પાંચ જ દિવસમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા અને 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 541 લોકોના મોત થયા હતા.
- કુલ કેસઃ 3,16,55,764
- એક્ટિવ કેસઃ 4,11,043
- કુલ રિકવરીઃ 3,08,20,521
- કુલ મોતઃ 4,24,351