દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી લાદવામાં આવશે લોકડાઉન ?
Lockdown News: કેરળમાં કેસ વધી રહ્યા છે, જો સરકારે લોકડાઉન નાંખે તો 15 દિવસમાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે. પ્રો. રિજો જોહને જણાવ્યું કે, ટૂંકાગાળા માટે પણ સંપૂર્ણ લોકડાઉન લાદવું જોઈએ.
થિરુવનંતપુરમઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેરળમાં સતત ચિંતાજનક રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે. એકબાજુ દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે કેરળમાં સ્થિતિ સારી નથી. દેશમાં રોજના નોંધાતા કેસ પૈકા 50 થી 60 ટકા કેસ માત્ર કેરળમાં જ નોંધાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કુલ એક્ટિવ કેસ પૈકીના 70 ટકા જેટલા કેસ કેરળમાં જ છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં એક્સપર્ટે કહ્યું કે, લોકડાઉનથી કેસમાં ઘટાડો થઈ શકે છે અને ટેસ્ટ પોઝિટિવિટી રેટ પણ નિયંત્રણમાં આવી શકે છે. અધિકારીએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું, ત્રણ દિવસ પહેલા ટેસ્ટ પોઝિટિવિટી રેટ 15 ટકા હતો જે વધીને 19 ટકા પહોંચી ગયો છે. હાલ કેસ વધી રહ્યા છે, જો સરકારે લોકડાઉન નાંખે તો 15 દિવસમાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે. પ્રો. રિજો જોહને જણાવ્યું કે, જો સ્થિતિ વણસી રહી છે તેમ લાગી રહ્યું હોય તો ટૂંકાગાળા માટે પણ સંપૂર્ણ લોકડાઉન લાદવું જોઈએ.
કેરળમાં સોમવારે કોવિડ-19ના 19,622 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 40,27,030 પર પહોંચી ગઈ છે. જ્યારે 132 દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક 20,673 થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 37,96,317 લોકો કોરોના મુક્ત થયા છે અને 2,09,493 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે.
દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 27 લાખ 68 હજાર 80
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 19 લાખ 59 હજાર 680
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 70 હડાર 640
- કુલ મોતઃ 4 લાથ 38 હજાર 560
કેટલા ડોઝ આપવામાં આવ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 30 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં 64 કરોડ 5 લાખ 28 હજારને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે 59.62 લાખ લોકોને રસી અપાઈ હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 52 કરોડ 15 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે, ગઈકાલે 13.94 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી ઓછો છે.