હવે કોગળા કરીને પણ કોરોના છે કે નહીં તે જાણી શકાશે, જાણો કેવી રીતે કામ કરે છે આ પદ્ધતિ
NEERIના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પધ્ધતિ બહુ સસ્તી છે અને લોકો જાતે પણ ટેસ્ટ કરી શકે છે.
કોરોનાની બીજી લહેરની વચ્ચે હવે કોરોના ટેસ્ટ માટેની અલગ પદ્ધતિને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોગળા કરીને કોરોના છે કે નહીં તે જાણી શકાશે. આ કોરોના ટેસ્ટિંગની નવી પદ્ધતિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચે મંજૂરી આપી છે.
નાગપુરમાં આવેલ નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ (NEERI) દ્વારા આ નવી ટેસ્ટિંગની પદ્ધતિ શોધવામાં આવી છે. સાથે જ ઇન્સ્ટિટ્યુટની ટીમે હવે દેશભરની લેબોરેટરીમાં જઈને આ રીતે ટેસ્ટિંગની તાલીમ આપવાની પણ મંજૂરી આપવામાં આવે છે.
આ રીતમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલ વ્યક્તિને સલિન વોટરથી કોગળા કરવાના હોય છે અને બાદમાં એક સામાન્ય કલેક્શન ટ્યૂબમાં થૂંકવાની જરૂરિયાત હોય છે. આ સેમ્પલને એક લેબોરેટરીમાં રૂમ ટેમ્પરેચર પર એક બફર સોલ્યુશનમાં રાખામાં આવે છે. આ સોલ્યુશન નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. બાદમાં તેને ગરમ કરવામાં આવે છે અને તેમાં આરએનએ ટેમ્પલેટ તૈયાર થાય છે. પછી તેને RT-PCR માટે પ્રોસેસ કરવામાં આવે છે.
NEERIના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પધ્ધતિ બહુ સસ્તી છે અને લોકો જાતે પણ ટેસ્ટ કરી શકે છે. કારણ કે આ પધ્ધતિમાં સેલ્ફ ટેસ્ટિંગની મંજૂરી પણ છે. આથી કલેક્શન સેન્ટર પર લોકોને લાઈન લગાવાવની જરૂર નથી.
બીજી બાજુ નાક અને ગળામાંથી સ્વેબ લેવામાં ઘણો વધારે સમય લાગે છે જેના કારણે તેમાં કેટલાક દર્દીઓ અસુવિધા પણ અનુભવતા હોય છે. જ્યારે સ્લાઈન વાળા પાણીથી કોગળા કર્યા બાદ ટેસ્ટ કરવામાં સમય પણ લાગતો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ટેસ્ટિંગના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે ત્યાં આ પધ્ધતિ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા કોરોના માટે હોમ કિટ લોન્ચ કરવામાં આવી હતી જેમાં માત્ર 15 મિનિટમાં જ તમે નેગેટિવ છો કો પોઝિટિવ તે જાણી શકાય છે. પુણેમાં માઈ લેબે ઘર પર જ કોરોના ટેસ્ટ કરવાની કિટ (Coviself) બનાવી છે. આ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ હતી. આઈસીએમઆરે આ કિટને મંજૂરી આપી હતી. આઈસીએમઆરે કોરોના ટેસ્ટ કિટને લઈને નવી એડવાઈઝરી પર બહાર પાડી હતી.