UPમાં મેડિકલ સ્ટાફનો આરોપઃ માસ્ક અને સેનેટાઇઝર માંગતા હાથ-પગ તોડવાની આપી ધમકી, પ્રિયંકા ગાંધીએ શેર કર્યો Video
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની બાંદા રાજકીય મેડિકલ કોલેજમાં આઉટસોર્સિંગ પર તૈનાત સ્ટુડન્ટ મેડિકલ સ્ટાફનો વીડિયો શેર કર્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. હાલ 2300થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની બાંદા રાજકીય મેડિકલ કોલેજમાં આઉટસોર્સિંગ પર તૈનાત સ્ટુડન્ટ મેડિકલ સ્ટાફનો વીડિયો શેર કર્યો છે.
સ્ટુડન્ટ્સને કોરોના વાયરસની સારવાર માટે બનેલા આઈસોલેશન સેન્ટરમાં તૈનાત કરાયા છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલ તંત્ર પાસે સેનેટાઈઝર અને માસ્ક માંગવામાં આવતા ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સેલરી પણ કોઈ જાતના કારણ વગર કાપી દેવામાં આવી છે. સ્ટુડન્ટ્સે એવો પણ આરોપ લગાવ્યો કે અમને કહેવામાં આવ્યું કે, “અહીંયાથી જતા રહો નહીંતર હાથ પગ તોડી નાંખવામાં આવશે, યોગીજીનો આદેશ છે તમને કાઢવા માટે.”
પ્રિયંકા ગાંધીએ આ વીડિયો શેર કરતાં કહ્યું કે, હાલના સમયે આપણે મેડિકલ સ્ટાફને સૌથી વધારે સહયોગ આપવાની જરૂર છે. જે જીવનદાતા છે અને યોદ્ધાની જેમ મેદાનમાં છે. બાંદામાં નર્સો અને મેડિકલ સ્ટાફ સાથે ખૂબ અન્યાય કરવામાં આવી રહ્યો છે.