Covid-19 News: કર્ણાટકના ધારવાડમાં 60 મેડિકલના વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત
કર્ણાટકના ધારવાડમાં એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સના 60 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
Covid-19 News: દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, પરંતુ આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે જે ફરી પરેશાન કરી શકે છે. કર્ણાટકના ધારવાડમાં એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સના 60 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સિવાય અહીં વધુ 100 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ માહિતી આપતાં જિલ્લા કલેક્ટર નીતીશ પાટીલે જણાવ્યું હતું કે, વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ આવતાં જ તે મુજબ કામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ કોરોના વાયરથી સંક્રમિત થયા છે. બાદમાં 2 હોસ્ટેલ સીલ કરવામાં આવી છે. આ બાબતની માહિતી આપતાં ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે જણાવ્યું હતું કે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે તે તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે.
બુધવારે દક્ષિણના કર્ણાટક રાજ્ય અને ઉત્તરમાં હિમાચલ પ્રદેશમાં કોવિડ-19થી ત્રણ-ત્રણ દર્દીઓના મોત થયા હતા. કર્ણાટકના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, છેલ્લા એક દિવસમાં ચેપના 254 નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ કેસ વધીને 29,94,255 થઈ ગયા છે.
વધુ ત્રણ દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 38,185 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોવિડ-19નો ભોગ બન્યા બાદ અત્યાર સુધીમાં 29,49,629 લોકો સાજા થયા છે. કર્ણાટકમાં હાલ 6,412 દર્દીઓ સારવાર હેઠળ છે.
દરમિયાન, બુધવારે હિમાચલ પ્રદેશમાં ચેપના 116 નવા કેસ નોંધાયા હતા અને વધુ ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ સાથે, કુલ કેસ વધીને 2,26,705 અને મૃત્યુઆંક 3,821 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ 931 દર્દીઓ સારવાર હેઠળ છે.
હવે ભારતમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. કોરોનાના નવા કેસની ઝડપ ઘટીને 10 હજારથી નીચે આવી ગઈ છે. જો કે મૃત્યુઆંક હજુ પણ વધુ છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9,119 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 396 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, 24 કલાકમાં 10,264 લોકો કોરોનાથી સાજા પણ થયા છે, એટલે કે 1541 સક્રિય કેસમાં ઘટાડો થયો છે.