દિલ્હીની સૌથી મોટી સાયબર ચોરી, સ્કાઇપ કૉલ મારફતે મહિલા ડોક્ટર પાસેથી લૂંટ્યા 4.5 કરોડ
આરોપીઓએ 34 વર્ષની મહિલા ડોક્ટર પાસેથી 4.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે
દેશની રાજધાની દિલ્હીમાં સાઇબર ક્રાઈમનો સૌથી મોટો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આરોપીઓએ 34 વર્ષની મહિલા ડોક્ટર પાસેથી 4.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. દિલ્હી પોલીસના IFSO યુનિટે હવે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. લૂંટારુઓએ મહિલાને સ્કાઈપ કોલ કર્યો અને પછી સમગ્ર છેતરપિંડીને અંજામ આપ્યો હતો. આ કૌભાંડ કુરિયર કંપની FedExનું પેકેજના કારણે શરૂ થયું હતું.
પાર્સલના નામે છેતરપિંડી
ફોન કરનારે 'મહારાષ્ટ્ર નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ'ના અધિકારી તરીકે દર્શાવતા કહ્યું કે તેમની પાસે મહિલાનું એક પાર્સલ હતું જે જપ્ત કરવામાં આવ્યું હતું કારણ કે તેમાં 'MDMA' ડ્રગ્સ મળી આવ્યું હતું. પીડિતાને કહેવામાં આવ્યું હતું કે તેના પાસપોર્ટ, બેંકિંગ દસ્તાવેજો સિવાય પાર્સલમાં 140 ગ્રામ MDMA મળી આવ્યું હતું અને પાર્સલ 21 એપ્રિલે મહિલાના ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા 25,000 રૂપિયામાં મુંબઈથી તાઈવાન માટે બુક કરવામાં આવ્યું હતું. જ્યારે ડૉક્ટરે કહ્યું કે તે આવા કોઈ કુરિયર વિશે જાણતા નથી, ત્યારે ફોન કરનારે તેને અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કહ્યું અને કૉલ તે પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
બદમાશો પોતાને સરકારી અધિકારી ગણાવતા હતા
પીડિતાએ કહ્યું હતું કે , '5 મેના રોજ સવારે 10.39 વાગ્યે મારા મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. ફોન કરનારે પોતાને FedEx કંપનીમાંથી બોલતો હોવાનો દાવો કર્યો અને કહ્યું કે મારું પાર્સલ જપ્ત કરવામાં આવ્યું છે અને વિગતો માટે મારે નંબર ડાયલ કરવાની જરૂર છે. મને કહેવામાં આવ્યું કે પાર્સલમાં મારો પાસપોર્ટ, બેંકિંગ દસ્તાવેજો, બે જોડી શૂઝ, 140 ગ્રામ MDMA અને કપડાં છે.
મહિલા ડૉક્ટરે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ઘણા લોકો મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર, આરબીઆઈ ઓફિસર, કસ્ટમ ઓફિસર, નાર્કોટિક્સ ઓફિસર અને ડીસીપી રેન્કના ઓફિસર તરીકે પોતાને ઓળખાવી રહ્યા હતા.
મહિલાને ડર બતાવ્યો
આરોપીઓએ મહિલાને સમજાવ્યું કે તેણે જપ્તી અને વેરિફિકેશન માટે તેની એફડી તોડવી પડશે કારણ કે તેના IDનો ઉપયોગ મુંબઈમાં 23 બેંક ખાતા ખોલવા માટે કરવામાં આવ્યો છે, જેમાંથી કેટલાક મની લોન્ડરિંગમાં સામેલ છે. અહીં લેડી ડોક્ટરને કહેવામાં આવ્યું કે મની લોન્ડરિંગના કેસમાં તમારી ધરપકડ પણ થઈ શકે છે. બદમાશોએ મહિલા ડૉક્ટરને એટલા વિશ્વાસમાં લીધા કે તેમણે તેના તમામ બેંક ખાતાના બેલેન્સના સ્ક્રીન શૉટ્સ બદમાશોને મોકલી દીધા હતા.
આરોપીઓએ કહ્યું હતું કે વેરિફિકેશન માટે મહિલાના ખાતામાં રહેલા રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરવા પડશે, કારણ કે આવક છૂપાવવી ગુનો છે. આ પછી વેરિફિકેશન થશે અને વેરિફિકેશન બાદ રકમ ખાતામાં પાછી મોકલવામાં આવશે. આ માટે પહેલા ડોક્ટરે તેની એફડી તોડી અને બાદમાં વધુ પૈસા બદમાશોને ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓએ ડૉક્ટરને આ વિશે કોઈને ન કહેવા માટે કહ્યું અને ધમકી આપી કે જો તેણીએ તેના પતિને આ વિશે કહ્યું તો તેને (પતિ) પણ ગુનામાં ભાગીદાર માનવામાં આવશે.
કેસને વિશ્વસનીય બનાવવા માટે આરબીઆઇનો એક પત્ર અને મુંબઈ પોલીસના લેટરહેડ પરની ફરિયાદ મહિલાને મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસ હજુ સુધી સ્કાઇપ કોલ્સ પાછળના લોકોને ટ્રેસ કરી શકી નથી.