દિલ્લી સરકારે ખેડૂત આંદોલનમાં થયેલા 17 કેસ પાછા ખેંચવા મંજૂરી આપી, 26 જાન્યુઆરીની હિંસાથી જોડાયેલ છે એક કેસ
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલેલા ખેડૂત આંદોલન વખતે નોંધાયેલી 17 FIRને દિલ્લી સરકારે પાછી ખેંચવા માટે મંજૂરી આપી છે.
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલેલા ખેડૂત આંદોલન વખતે નોંધાયેલી 17 FIRને દિલ્લી સરકારે પાછી ખેંચવા માટે મંજૂરી આપી છે. આ FIRમાં એક કેસ ગયા વર્ષે 26 જાન્યુઆરીના દિલ્લીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસા સાથે પણ જાડાયેલ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, ઉપરાજ્યપાલ અનિલ બૈજલના કાર્યાલય તરફથી ગૃહ મંત્રી સત્યેંદ્ર જૈનને 31 જાન્યુઆરીએ આ કેસોને સંબંધીત ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઈલને સોમવારે કાયદા વિભાગના અભિપ્રાય પછી મંજૂરી આપાઈ છે.
કયા કેસ પરત ખેંચાશેઃ
ઉલ્લેખનીય છે કે, દિલ્લી પોલીસે નવેમ્બર 2020થી ડિસેમ્બર 2021 સુધી નોંધેલા 54 કેસમાંથી 17 કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આ કેસમાં લગભગ 200-300 પ્રદર્શનકારીઓ અને 25 ટ્રેક્ટરોને લાહોરી ગેટથી લાલ કિલ્લા સુધી પહોંચાડવાના કેસનો પણ સમાવેશ થાય છે. આ પ્રદર્શનકારીઓ લાલ કિલ્લા સુધી પહોંચતાં ટિકિટ બારીઓ અને સુરક્ષા સાધનોને નુકસાન પહોંચ્યું હતું.
આ સિવાય 150-175 ટ્રેક્ટરો પર સવાર થઈને ઉત્તર પ્રદેશનના લોનીથી દિલ્લીમાં પ્રવેશ કરવાવાળા ખેડૂતો સામે ઉત્તર-પૂર્વી દિલ્લીના જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતો પર આરોપ છે કે તેમણે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને તેમની ફરજમાં અડચણ ઉભી કરી હતી.
ખેડૂતો પર થયેલા કેસોમાં મોટાભાગના કેસ દિલ્લીના સિંઘૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર કૃષિ કાયદાઓ સામે એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલનમાં કોરોના નિયમો અને દિશા-નિર્દેશોના ઉલ્લંઘનને સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે, આંદોલનકારી ખેડૂતોએ સંસદ દ્વારા પાસ કરેલા કૃષિ કાયદા પરત લેવાની માંગ સાથે નવેમ્બર 2020માં દિલ્લીની બોર્ડર પર તંબૂ લગાવ્યા હતા અને આંદોલન પર બેઠા હતા. જે કાયદાઓ માટે આ આંદોલન થયું તે ત્રણેય કૃષિ કાયદાઓ કેન્દ્ર સરકારે પરત ખેંચતાં ખેડૂતો ડિસેમ્બર 2021માં આંદોલન પૂર્ણ કરીને પોતાના ઘરે ગયા હતા.