(Source: ECI/ABP News/ABP Majha)
SpiceJet Notice: DGCAએ સ્પાઇસજેટને મોકલી નોટિસ, છેલ્લા 18 દિવસમાં ટેકનિકલ ખામીની આઠ ઘટનાઓ પર માંગ્યો જવાબ
ડીજીસીએએ કહ્યું કે સ્પાઇસજેટ એરક્રાફ્ટ નિયમો, 1937 હેઠળ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવાઓ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે.
DGCA Notice To SpiceJet: સ્પાઇસજેટ વિમાનોમા સતત ખામી સર્જાયા બાદ બુધવારે કંટ્રોલર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. છેલ્લા 18 દિવસમાં ટેક્નિકલ ખામીની આઠ ઘટનાઓ બાદ DGCA દ્વારા આ નોટિસ જાહેર કરાઇ છે. સપ્ટેમ્બર 2021માં DGCA દ્વારા સ્પાઈસજેટના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે સ્પેર સપ્લાયરોને નિયમિત ધોરણે ચૂકવણી કરવામાં આવતી નથી, જેના કારણે સ્પેરપાર્ટ્સની અછત સર્જાઈ હતી.
ડીજીસીએએ કહ્યું કે સ્પાઇસજેટ એરક્રાફ્ટ નિયમો, 1937 હેઠળ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવાઓ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે. વાસ્તવમાં મંગળવારે દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે કંડલા-મુંબઈ ફ્લાઇટને હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મુંબઇમાં ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી. મંગળવારે આ બે ઘટનાઓ સામે આવ્યા બાદ છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે સ્પાઈસ જેટ એરલાઈન છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી છે. સસ્તી સેવા પૂરી પાડતી સ્પાઇસજેટને 2018-19માં રૂ. 316 કરોડ, 2019-2020માં રૂ. 934 કરોડ અને 2020-21માં રૂ. 998 કરોડનું નુકસાન થયું હતું. ઉડ્ડયન ક્ષેત્ર કોરોના મહામારી બાદ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. એવિએશન કન્સલ્ટિંગ ફર્મ CAPA એ 29 જૂનના રોજ જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સની ખોટ 2021-22માં $3 બિલિયનથી ઘટીને 2022-23માં $1.4 અને 1.7 બિલિયનની વચ્ચે આવી શકે છે.