(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં કોરોનાને રોકવા એક મહિનાનું લોકડાઉન લાદી દો, વિશ્વના ક્યા ટોપ વાયરોલોજિસ્ટે મોદીને આપી સલાહ ?
ડો. ફૌસી ચેપી રોગોના વિશ્વના ટોચના નિષ્ણાત ગણાય છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ એકદમ ખરાબ છે. અમેરિકાનાં ટોચના પબ્લિક હેલ્થ નિષ્ણાત અને વાઈરોલોજિસ્ટ ડો. એન્થની ફૌસીએ સૂચન કર્યું હતું કે ભારત સરકારે તેની પાસેનાં તમામ સાધનોને કામે લગાડવાની જરૂર છે. લશ્કરની મદદ લેવાની ખાસ જરૂર છે. હંગામી હોસ્પિટલો બનાવવાની, એક મહિનો દેશમાં લોકડાઉન લાદવાની અને વેક્સિનેશનને ઝડપી બનાવવાની જરૂર છે. અન્ય દેશોએ ભારતને ફક્ત મટિરિયલની નહીં પણ મેનપાવરની મદદની પણ જરૂર છે.
ડો. ફૌસી ચેપી રોગોના વિશ્વના ટોચના નિષ્ણાત ગણાય છે. તેમણે જણાવ્યું હતું કે, “બધા જાણે છે કે, ભારતમાં સ્થિતિ બહુ ગંભીર છે. આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત હોય ત્યારે દરેકની પૂરતી સંભાળ લેવાનું મુશ્કેલ બને છે. એટલે જ અમને એવું લાગે છે કે, વિશ્વના અન્ય દેશોએ શક્ય એટલી મદદ કરવી જોઇએ.”
ફૌસીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં ભારતે બને એટલા વધુ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, તાત્કાલિક ઉકેલ લોકડાઉનનો છે. ભારત એ કરી જ રહ્યું છે. થોડા દિવસ પહેલાં મેં દેશભરમાં લોકડાઉનની ભલામણ કરી હતી અને દેશના કેટલાક ભાગોમાં આ થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે પાસે અન્ય દેશોના ઉદાહરણ છે. ચીને ગયા વર્ષે આવું કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં પણ કેસ વધ્યા ત્યારે તેમણે લોકડાઉનનું પગલું લીધું હતું. ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોએ પણ થોડા સમય માટે લોકડાઉન કર્યું હતું. ભારતે પણ માત્ર થોડા સપ્તાહ માટે લોકડાઉન કરવાની જરૂર છે. ફૌસીએ કામચલાઉ હોસ્પિટલ્સ તૈયાર કરવા લશ્કરની સહાય લેવાની પણ ભલામણ કરી હતી.
ભારતમાં કોરોનાની બીજી લહેરને અમેરિકાના મૂળ ભારતીય અગ્રણી સર્જન વિવેક મૂર્તિએ દર્દનાક ત્રાસદી ગણાવી હતી. તેમણે કોરોનાના આવા સંકટમાં એકબીજા દેશને પરસ્પર મદદ કરવાનો અનુરોધ કર્યો હતો. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં શક્તિશાળી ફોકસમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા મૂળ ભારતીય અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું હતું કે કોરોના સામે લડી રહેલા ભારતને તમામ પ્રકારની મદદ કરવાની અમેરિકાની નૈતિક જવાબદારી છે.
નોંધનીય છે કે, ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 18 લાખ 92 હજાર 676
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446
કુલ મોત - 2 લાખ 38 હજાર 270