Republic Day 2023 : કોણ હશે 2023માં 26 જાન્યુઆરીએ મુખ્ય અતિથિ? નામ આવ્યું સામે
બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો 2020 સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવેલા જે અંતિમ મુખ્ય અતિથિ હતા.
Chief Guest On Republic Day 2023 : ભારતે 2023 માં પ્રજાસત્તાક દિવસના અવસર પર ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. આ બાબત આરબ દેશો પર નવી દિલ્હીનું ધ્યાન કેન્દ્રિત હોવાનું દર્શાવે છે. બીજી બાજુ, ઇજિપ્ત માટે પણ આ એક મોટી તક છે જે ભારત સાથે સૈન્ય સંબંધો વધારવા માંગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 16 ઓક્ટોબરે ઈજીપ્તની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર કાહિરામાં સિસીને મળ્યા હતાં અને ભારત આવવા ઔપચારિક આમંત્રણ આપ્યું હતું.
ઈજિપ્ત 2023માં ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G20 સમિટમાં આમંત્રીત 9 મહેમાન દેશોમાં શામેલ છે. ભારતમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર મુખ્ય અતિથિ તરીકે મોકલવામાં આવનાર આમંત્રણ દેશના નજીકના સાથીદાર અને ભાગીદારો માટે એક સાંકેતિક સન્માન છે. કોરોનાને કારણે 2021 અને 2022ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ મુખ્ય અતિથિ હાજર રહી શક્યા નહોતા. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો 2020 સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવેલા જે અંતિમ મુખ્ય અતિથિ હતા.
ભારત પાસેથી ખરીદવા માંગે છે 70 તેજસ ફાઈટર જેટ્સ
ભારત દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા એ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સીસી માટે પણ ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. તેઓ ભારતના આ આમંત્રણ એક તક તરીકે જુએ છે. કારણ કે ઇજિપ્ત ભારત સાથે સૈન્ય સંબંધો વધુ મજબૂત કરવા માંગે છે. ગત વર્ષે બંને દેશોએ સંયુક્ત વાયુ અભ્યાસ કર્યો હતો. હવે ઇજિપ્તની નજર ભારતના સ્વદેશી અને વજનમાં હળવા પણ જોરદાર મારક ક્ષમતા ધરાવતા યુદ્ધ વિમાન તેજસ પર છે. ઈજિપ્ત ભારત પાસેથી અંદાજે 70 તેજસ ફાઈટર જેટ ખરીદવા માંગે છે.
2021માં ભારત-ઈજિપ્ત વચ્ચે યોજાઈ હતી પહેલી એર કવાયત
ઇજિપ્તની વાયુસેનાના વડા મહમૂદ ફહાદ અબ્દ અલ-ગવાદે આ બાબતે જુલાઈમાં ભારતની મુલાકાત લીધી હતી. ઓક્ટોબર 2021માં બંને દેશો વચ્ચે પ્રથમ વાયુસેના અભ્યાસ યોજાઈ હતી. ઈજિપ્ત પરંપરાગત રૂપે આફ્રિકા ખંડમાં ભારતના સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોમાંનું એક છે. તાજેતરમાં ઇજિપ્તમાં ભારતીય સમુદાયની સંખ્યા લગભગ 3200 છે જેમાંથી મોટા ભાગના કાહિરામાં રહે છે. અબ્દેલ ફતાહ અલ-સીસી 2014થી ઇજિપ્તના રાષ્ટ્રપતિ છે.