(Source: Poll of Polls)
ફ્યુચર ગેમિંગે ટીએમસીને સૌથી વધુ દાન આપ્યું, જાણો ભાજપ અને કોંગ્રેસને સૌથી વધુ દાન આપનાર કોણ છે
BJPના ટોચના 10 દાતાઓએ કુલ રૂ. 2,123 કરોડનું દાન આપ્યું હતું, જ્યારે TMCને ટોચના 10 દાતાઓએ રૂ. 1,198 કરોડનું દાન આપ્યું હતું અને કોંગ્રેસના ટોચના 10 દાતાઓએ રૂ. 615 કરોડ રૂપિયાનું દાન કર્યું.
Electoral Bonds: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 21 માર્ચે જાહેરાત કરી હતી કે તેણે ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા (ECI) સાથે યુનિક આલ્ફા-ન્યુમેરિક આઈડી સહિત ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ વિશેની તમામ વિગતો શેર કરી છે. આ કાર્યવાહી આ સપ્તાહની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસબીઆઈને આપવામાં આવેલા આદેશના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં બેંકને ચૂંટણી પંચ સાથે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી બિનશરતી શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું.
દરેક ઈલેક્ટોરલ બોન્ડનો એક ખાસ નંબર હોય છે. આ યુનિક નંબર ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર અને તેને રિડીમ કરનાર પક્ષને જોડે છે. આ વર્ષે 14 માર્ચે બે લિસ્ટમાં ખરીદદારો અને પક્ષકારોના નામ જાહેરમાં શેર કરવામાં આવ્યા હતા. આ ત્રીજી વખત છે જ્યારે SBIએ ચૂંટણી બોન્ડનો ડેટા સાર્વજનિક કર્યો છે, અને અંતે બોન્ડ નંબર પણ જાહેર કર્યા છે, જેનાથી દાતાઓ અને તેને મેળવતા પક્ષકારો સાથે મેળ ખાય છે.
ડેટા અનુસાર ભારતીય જનતા પાર્ટીના ટોચના 10 દાતાઓએ કુલ રૂ. 2,123 કરોડનું દાન આપ્યું હતું, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ટોચના 10 દાતાઓએ રૂ. 1,198 કરોડનું દાન આપ્યું હતું અને કોંગ્રેસના ટોચના 10 દાતાઓએ રૂ. 615 કરોડ રૂપિયાનું દાન કર્યું.
ભાજપને ટોચના દાતાઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો સમાવેશ થાય છે, જેમણે રૂ. 584 કરોડનું દાન આપ્યું હતું. ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડે રૂ. 375 કરોડનું દાન આપ્યું છે. આ પછી વેદાંત લિમિટેડે 230 કરોડ રૂપિયા, ભારતી એરટેલે 197 કરોડ રૂપિયા અને મદનલાલ લિમિટેડે 176 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસે તૃણમૂલ કોંગ્રેસને સૌથી વધુ 692 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પછી હલ્દિયા એનર્જી લિમિટેડે 362 કરોડ રૂપિયા, ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે 90 કરોડ રૂપિયા, MKJ એન્ટરપ્રાઇઝ અને એવરેજ ટ્રેડિંગે 46-46 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
એમકેજે એન્ટરપ્રાઇઝ લિમિટેડે કોંગ્રેસને સૌથી વધુ રૂ. 138 કરોડનું દાન આપ્યું હતું અને વેદાંત લિમિટેડે રૂ. 125 કરોડનું દાન આપ્યું હતું. આ પછી વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપનીએ 110 કરોડ રૂપિયા, યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે 64 કરોડ રૂપિયા અને એવિસ ટ્રેડિંગ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડે 53 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દરમિયાન SBIએ કહ્યું કે આ નવા ડેટા જાહેર થયા બાદ તેની પાસે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ સંબંધિત અન્ય કોઈ માહિતી નથી.
સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ પોતાના એક આદેશમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી હતી. સર્વોચ્ચ અદાલતે SBIને આ યોજના સંબંધિત દરેક માહિતી ભારતના ચૂંટણી પંચ સાથે શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ માહિતી બોન્ડ્સ ક્યારે અને કોણે ખરીદ્યા, તેમની કિંમત શું હતી અને રાજકીય પક્ષો દ્વારા ક્યારે રોકડ કરવામાં આવ્યા તે વિશેની માહિતી હતી. પરંતુ બેંકે શરૂઆતમાં બે વખત જાહેર કરાયેલા ડેટામાં ખરીદેલા અને રિડીમ કરેલા બોન્ડની યુનિક ID જાહેર કરી ન હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની સૂચના પર, SBI એ આજે એક અનન્ય બોન્ડ ID પણ જારી કર્યું.