ફટાકડા બન્યા પિતા-પુત્ર માટે કાળ! સ્કૂટર પર ફટાકડા લઈને જતા સમયે જ બ્લાસ્ટ, બન્ને 10-15 મીટર દૂર ઉછળ્યા
પોલીસ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં કેલેન્સન સ્કૂટર ચલાવતો જોવા મળે છે જ્યારે તેનો પુત્ર બેગ પકડી રહ્યો છે.
તમિલનાડુમાં દિવાળીના દિવસે રસ્તાની વચ્ચે એક સ્કૂટરમાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પિતા અને તેના 7 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને ફટાકડા ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ જે બેગમાં ફટાકડા લઈને જતા હતા તે બેગમાં અચાનક વિસ્ફોટ થયો અને બંનેના મોત થયા.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, મૃતકની ઓળખ અરિયાનકુપ્પમના કાલેનસન (37) તરીકે થઈ છે. તેઓ તેમના 7 વર્ષના પુત્ર પ્રદીશ સાથે ફટાકડા લઈને પુડુચેરી જઈ રહ્યા હતા. આ ઘટના પુડુચેરી-વેલ્લુપુરમ બોર્ડર પર આવેલા કોટ્ટકુપ્પમ શહેરની છે. અકસ્માત નજીકના સીસીટીવીમાં કેદ થયો હતો.
વિસ્ફોટ પછી 10-15 મીટર દૂર પડ્યા
પોલીસ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં કેલેન્સન સ્કૂટર ચલાવતો જોવા મળે છે જ્યારે તેનો પુત્ર બેગ પકડી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે કોટ્ટાકુપ્પમ પાસે ફટાકડા ફૂટ્યા અને બંને સ્કૂટરથી 10-15 મીટર દૂર પડ્યા. વિસ્ફોટમાં ત્રણ અન્ય મોટરચાલક - ગણેશ (45), સૈયદ અહેમદ (60), અને વિજી આનંદ (36) પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામને પુડુચેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું.
દેશી ફટાકડાની બે થેલીઓ ખરીદી, કેસ નોંધાયો
વિલ્લુપુરમના ડીઆઈજી એમ પાંડિયન અને એસપી એન શ્રીનાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શ્રીનાથે કહ્યું- કલાનેસને 3 નવેમ્બરે પુડુચેરીમાંથી 'નટ્ટુ પટ્ટાસુ' (દેશી ફટાકડા)ની બે બેગ ખરીદી હતી અને તેને તેના સાસરિયાના ઘરે રાખી હતી. દિવાળીના દિવસે, તે કુનીમેડુથી બેગ લઈને પુડુચેરી તરફ જઈ રહ્યો હતો, તે જ દિવસે અકસ્માત થયો.
ફટાકડામાં ગરમીને કારણે વિસ્ફોટ થયો હશે. પોલીસે કુનિમેડુ પાસેથી દેશી બનાવટના ફટાકડાની બોરી જપ્ત કરી છે અને ભારતીય દંડ સંહિતા અને વિસ્ફોટક ધારાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
#Puducherry: #CCTV footage shows a Seven-Year old boy & his father died on the spot after the #crackers that they were carrying #exploded in #Villupuram. Police suspects that the crackers would have been exploded due to the heat generated by the vehicle. 3 other also injured. pic.twitter.com/N92W4pdX1k
— Subodh Kumar (@kumarsubodh_) November 5, 2021
ફટાકડા ફોડવા બદલ ચેન્નાઈમાં 700 લોકો સામે FIR
દરમિયાન, ચેન્નઈ પોલીસે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ 700 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસનું કહેવું છે કે આ લોકોએ દિવાળી પર ફટાકડા ફોડવા માટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત સમયનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે ફટાકડા ફોડવા માટે સવારે 6 થી 7 અને સાંજે 7 થી 8 નો સમય નક્કી કર્યો હતો. અગાઉ, શહેરમાં ફટાકડાની દુકાનો ચલાવવા માટેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 239 જેટલા દુકાનદારો સામે પણ કેસ કરવામાં આવ્યો હતો.