Jammu Kashmir Result: ઓમર અબ્દુલ્લા હશે આગામી મુખ્યમંત્રી, પ્રચંડ જીત પર પિતાએ આપ્યું મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે.
J&K Election Result 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે. વલણો અનુસાર, ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી મુખ્યમંત્રી હશે. તેમણે વધુમાં કહ્યું કે, “લોકોએ પોતાનો જનાદેશ આપ્યો છે. તેઓએ સાબિત કરી દીધું છે કે તેઓ 5 ઓગસ્ટે લીધેલા નિર્ણયને સ્વીકારતા નથી. તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બડગામ સીટ પરથી જીત્યા છે. તેમણે પીડીપીના આગા સૈયદ મુન્તાજીર મેહદીને 18,485 મતોથી હરાવ્યા. ઓમર અબ્દુલ્લાને 36010 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ આગા સૈયદ મુન્તાજીર મેહદીને 17525 વોટ મળ્યા.
#WATCH | Srinagar, J&K | National Conference chief Farooq Abdullah says, "After 10 years the people have given their mandate to us. We pray to Allah that we meet their expectations...It will not be 'police raj' here but 'logon ka raj' here. We will try to bring out the innocent… pic.twitter.com/j4uYowTij4
— ANI (@ANI) October 8, 2024
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ છેલ્લે 2009 થી 2015 સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. આ વખતે તેઓ ગાંદરબલ અને બડગામથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. ગાંદરબલ વિધાનસભા સીટ પર 20 રાઉન્ડની મતગણતરી થવાની છે. મતગણતરીના 15માં રાઉન્ડમાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાને 30736 વોટ મળ્યા છે. પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને 20970 મત મળ્યા છે. પીડીપીના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાથી 9766 વોટથી પાછળ છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઈશ્ફાક અહેમદ શેખ ત્રીજા ક્રમે છે.
કોની વચ્ચે સ્પર્ધા ?
બડગામ વિધાનસભા બેઠક પર કુલ 8 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જેમાંથી ત્રણ અપક્ષ હતા. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પીડીપી તરફથી આગા સૈયદ મુન્તઝીર મેહદી, જમ્મુ અને કાશ્મીર અવામી નેશનલ કોન્ફરન્સ (JKANC) તરફથી આગા સૈયદ અહેમદ મૂસવી, SP તરફથી ગઝનફર મકબૂલ શાહ અને JKPDF તરફથી નિસાર અહેમદ પાલ ચૂંટણી લડ્યા હતા. આ સિવાય મુખ્તાર અહેમદ ડાર, મેહરાજ ઉદ દિન ગનાઈ અને નઝીર અહેમદ વાણીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. આ વખતે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ એકસાથે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા અને આ સીટ નેશનલ કોન્ફરન્સના ખાતામાં આવી. આવી સ્થિતિમાં આ વખતની ચૂંટણી અહીં ખાસ બની હતી.
નેશનલ કોન્ફરન્સ 41 સીટો પર આગળ છે
નેશનલ કોન્ફરન્સે જમ્મુ અને કાશ્મીરમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. નેશનલ કોન્ફરન્સ એકલી 41 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 6 સીટો પર આગળ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 29 બેઠકો પર આગળ ચાલી રહી છે.