પાર્ટી ઉજવતા ઉજવતા અધિકારીનો મોંઘો ફોન પડ્યો ડેમમાં, પંપ લગાવી 21 લાખ લિટર પાણી વહાવી દીધુ
એક ફૂડ ઇન્સ્પેક્ટરે ડેમના પાણીમાં પડી ગયેલો પોતાનો મોંઘો મોબાઈલ ફોન પાછો મેળવવા માટે લાખો લિટર ડેમનું પાણી વહાવી દીધું હતું
છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઇન્સ્પેક્ટરે ડેમના પાણીમાં પડી ગયેલો પોતાનો મોંઘો મોબાઈલ ફોન પાછો મેળવવા માટે લાખો લિટર ડેમનું પાણી વહાવી દીધું હતું. એક ફોનના બદલામાં અધિકારીએ લગભગ આખો ડેમ ખાલી કરાવી દીધો હતો. આટલા પાણીથી દોઢ હજાર એકર ખેતરમાં સિંચાઈ થઈ શકી તેમ હતું. જો કે અધિકારીનો કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યો હતો પરંતુ તે બગડી ગયો હતો.
વાસ્તવમાં કોયલીબેડા બ્લોકના એક ફૂડ ઇન્સ્પેક્ટરે રવિવારે રજા માણવા માટે ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. જ્યાં અધિકારીનો મોંઘો મોબાઈલ ફોન ખેરકટ્ટા પરલકોટ ડેમના ઓવરબ્રિજ પરથી 15 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં પડ્યો હતો.
અધિકારીએ પહેલા નજીકના ગ્રામજનોને મોબાઈલ શોધવા માટે કહ્યુ હતુ પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. આ પછી ફોન પરત મેળવવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 30 એચપીનો પંપ લગાવીને ડેમનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પાણી કાઢવા માટે પંપ સતત ચાલુ રાખવામાં આવ્યો હતો.
જો કે, જળાશયમાંથી સતત પાણી ખાલી કરવાની વાત લીક થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંપ બંધ કરી દેવાયો હતો. ત્યાર બાદ ફરી શોધખોળ કરવા પર મોબાઈલ ફોન મળી આવ્યો હતો, પરંતુ તે ખરાબ થઇ ગયો હતો.
એક અંદાજ મુજબ ગત સોમવારથી ગુરુવાર સુધીમાં સતત 24 કલાક ચાલતા 30 હોર્સ પાવરના બે ડીઝલ પંપ દ્વારા આશરે 21 લાખ લીટર પાણીનો વેડફાટ કરાયો હતો. આ પાણીનો જથ્થો દોઢ હજાર એકર જમીનને સિંચાઈ માટે પૂરતો હતો.
હવે સવાલ એ થાય છે કે અધિકારીના મોબાઈલમાં શું હતું? જેના માટે સિંચાઈ માટે વપરાતું પાણી આટલી હદે વહાવી દેવામાં આવ્યું હતું. આ કેસમાં જળ સંસાધન વિભાગના ઉપ-વિભાગીય અધિકારી, રામ લાલ ઢીંવરનું કહેવું છે કે 5 ફૂટ સુધી પાણી ખાલી કરવાની મંજૂરી મૌખિક રીતે આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી 10 ફૂટથી વધુ પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે.
Weather Update: દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગનું ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
IMD Weather Update News: દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે લોકોને ગરમીમાં રાહત મળશે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. તે સિવાય રાજ્યમાં આજથી બે દિવસ ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તે સિવાય માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે