(Source: ECI/ABP News/ABP Majha)
Holi 2022: કાશીના મણિકર્ણિકા ઘાટ પર ચિતાની ભસ્મથી રમવામાં આવી હોળી, જુઓ તસવીરો
Holi 2022 : રંગભરી એકાદશીના દિવસે મહાસ્મશાન મણિકર્ણિકા ઘાટ ખાતે ચિતા ભસ્મની હોળી રમવામાં આવી હતી. જેમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી લોકો આવ્યા હતા.
Holi 2022: રંગભરી એકાદશીના દિવસે મહાસ્મશાન મણિકર્ણિકા ઘાટ ખાતે ચિતા ભસ્મની હોળી રમવામાં આવી હતી. જેમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી લોકો આવ્યા હતા. સમગ્ર મણિકર્ણિકા ઘાટ શિવની આરાધનાથી ગુંજી ઉઠ્યો હતો.
શું છે માન્યતા
એવું કહેવાય છે કે રંગભારી એકાદશીના દિવસે બાબા મધ્યાહન સ્નાન કરવા માટે બપોરે મણિકર્ણિકા તીર્થ જાય છે. કહેવાય છે કે મહાદેવ અહીં સ્નાન કર્યા બાદ તમામ તીર્થ સ્નાનનું પુણ્ય લઈને પોતાના સ્થાને જાય છે. તે અહીં સ્નાન કરનારાઓને પુણ્યનું વિતરણ કરે છે. બાબા સ્નાન પછી તે પોતાના પ્રિયજનો સાથે મણિકર્ણિકા મહાસ્મશામાં આવે છે અને ચિતાની ભસ્મથી હોળી રમે છે. વર્ષોની આ પરંપરા અનાદી કાળથી અહીં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
વિશ્વમાં દુર્લભ એવી 'ચિતા ભસ્મ' સાથે રમાતી હોળીને જોવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. જ્યારે બાબાના મધ્યાહન સ્નાનનો સમય આવે તે સમયે મણિકર્ણિકા મંદિરમાં તેની ઝલક માટે ભક્તોની ભીડ જામે છે.
મણિકર્ણિકા ઘાટમાં હજારો વર્ષોથી ચિતા સળગતી આવે છે. સ્મશાનની આ હોળીમાં જે રંગોનો ઉપયોગ થાય છે તેમાં યજ્ઞ, હવન કુંડ કે અઘોરીની ધૂની અને ચિતાની રાખનો ઉપયોગ થાય છે. કાશીની આ હોળીમાં રાગ-વિરાગ બંને છે. પૌરાણિક માન્યતા મુજબ કાશીના મર્ણિકર્ણકા ઘાટ પર શિવે મોક્ષ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાશી વિશ્વની એકમાત્ર એવી નગરી છે જ્યાં મનુષ્યનું મૃત્યુ મંગલ માનવામાં આવે છે.
હોળીમાં કોણ હાજરી આપી શકે?
મહાસ્મશાન નાથ મંદિરના વ્યવસ્થાપક ગુલશન કપૂરે આ કાર્યક્રમ વિશે વિગત આપતાં કહ્યું હતું કે "કાશીમાં એવી માન્યતા છે કે રંગભરી એકાદશીના દિવસે બાબા વિશ્વનાથ માતા પાર્વતીને વિદાય આપીને તેમના નિવાસસ્થાન કાશીમાં લાવે છે. જેને કાશીવાસી તહેવાર તરીકે ઉજવે છે. આ દિવસથી રંગોનો તહેવાર 'હોળી'નો પ્રારંભ માનવામાં આવે છે. આ ઉત્સવમાં દેવતા, યક્ષ, ગંધર્વ, મનુષ્ય બધા ભાગ લે છે. પરંતુ, આ પ્રસંગે બાબા પોતે જ તેમના પ્રિય ભૂત, પ્રેત, પિશાચ, દૃશ્યમાન અને અદૃશ્ય શક્તિઓને આવવાથી રોકે છે."