મમતા ભાજપનાં પ્રિયંકાથી કેટલા મતે આગળ નિકળ્યાં કે કોલકાત્તામાં તૃણમૂલ કાર્યકરોએ શરૂ કરી ઉજવણી ?
મમતા બેનરજી ચોથા રાઉન્ડના અંતે ભાજપનાં પ્રિયંકા ટિબરેવાલ સામે 12 હજાર કરતાં વધારે મતથી આગળ હતાં. મમતાની જીત પાકી થતાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ વિજયનો ઉત્સવ શરૂ કરી દીધો છે
નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરે થયેલી બે બેઠકોની પેટાચૂંટણી અને બંગાળમાં ઉમેદવારોના નિધનના કારણે મોકૂફ રખાયેલી બે બેઠકો પર આજે મતગણતરી શરૂ થઈ છે. આ પૈકી પશ્ચિમ બંગાળની ભબાનીપુર બેઠક પર મમતા બેનરજીની જીત લગભઘ પાકી થઈ ગઈ છે.
મમતા બેનરજી ચોથા રાઉન્ડના અંતે ભાજપનાં પ્રિયંકા ટિબરેવાલ સામે 12 હજાર કરતાં વધારે મતથી આગળ હતાં. મમતાની જીત પાકી થતાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો મમતાના નિવાસસ્થાનની બહાર એકઠા થવા માંડ્યા હતા. મમતાની જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે. મમતાએ પહેલા રાઉન્ડથી જ સરસાઈ મેળવીને જીતના સંકેત આપી દીધા હતા. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ તેમાં મમતા પોસ્ટલ બેલેટ પરથી પણ આગળ હતાં. ભબાનીપુર બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપનાં પ્રિયંકા ટિબ્રેવાલ સામે 12 હજાર કરતાં વધારે મતે આગળ હોવાથી તેમની જીત પાકી મનાય છે.
ભબાનીપુરમાં મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો ત્યારે મમતા બેનર્જી ભાજપની પ્રિયંકા ટિબ્રેવાલથી 4600 મતથી આગળ હતાં. મમતા બેનર્જી પોસ્ટલ મતોની ગણતરીમાં જ આગળ નિકળી ગયાં હતાં. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવે છે કે મમતા 50 હજાર મતોથી વિજય મેળવશે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ આગળ છે
ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મમતા સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુરમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. આ સિવાય જંગીપુરમાં 24 અને શમશેરગંજમાં 26 રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. જો કે, રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણી માટે મત ગણતરી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોલકાતામાં મતગણતરી સંકુલ પાસે અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પેટાચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવાનીપુર બેઠક પર 53.32% મતદાન નોંધાયું હતું. મુર્શીદાબાદ જિલ્લાની શમશેરગંજ બેઠક અને જંગીપુર બેઠકમાં અનુક્રમે 78.60% અને 76.12% મતદાન નોંધાયું હતું.