HMPV Virus: HMPVના ટેસ્ટનો કેટલો થાય છે ખર્ચ? જાણો સરકારી-પ્રાઇવેટ લેબના ભાવ?
HMPV Virus Test Cost : આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો આવા લક્ષણો દેખાય તો બેદરકાર ન રહેવું જોઈએ
HMPV Virus Test Cost : દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂનોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસની ઝપેટમાં આવનારા લોકોને ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને નાકમાંથી પાણી નીકળવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે આમાં શરદી જેવા લક્ષણો જોવા મળે છે. COVID-19માં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા હતા. નાના બાળકો આનાથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. અત્યાર સુધી આ વાયરસ માટે કોઈ ચોક્કસ દવા કે રસી બનાવવામાં આવી નથી. તેની સારવાર તેના લક્ષણોના આધારે કરવામાં આવે છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો આવા લક્ષણો દેખાય તો બેદરકાર ન રહેવું જોઈએ. તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. આ વાયરસને ટેસ્ટની મદદથી શોધી શકાય છે. HMPV વાયરસ ટેસ્ટ કરાવવા માટે કેટલો ખર્ચ થાય છે?
HMPVનો ટેસ્ટ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે?
જો HMPV વાયરસના લક્ષણો દેખાય તો તેની તપાસ કરાવવી જોઇએ. કોરોના વાયરસની જેમ તેનો ટેસ્ટ પણ સરકારી હોસ્પિટલો અથવા ખાનગી લેબમાં પણ કરી શકાય છે. તેની તપાસ નાસોફેરિંજિયલ સ્વૈબ, થ્રોટ સ્વૈબ, બ્લડ સેમ્પલ અથવા બલગમથી કરવામાં આવે છે.
HMPV વાયરસનો ટેસ્ટ કરવાની રીત
RT-PCR એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શનને HMPV શોધવાની સૌથી સચોટ પદ્ધતિ માનવામાં આવે છે. આ ઉપરાંત તેને કલ્ચર ટેસ્ટ મારફતે પણ શોધી શકાય છે. આમાં વાયરસને સેલ કલ્ચરમાં વિકસિત કરીને ઓળખી શકાય છે. આ પ્રક્રિયામાં ત્રણ કે તેથી વધુ દિવસ લાગી શકે છે. આ ઉપરાંત, એન્ટિબોડી ટેસ્ટ એટલે કે લોહીમાં એન્ટિબોડીની હાજરી દ્વારા વાયરસ શોધી કાઢવામાં આવે છે.
HMPV ટેસ્ટનો ખર્ચ કેટલો છે?
નિષ્ણાતોના મતે, HMPV એ વાયરસમાંથી એક છે જેને ઓળખવા માટે નવા રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. તેનો ખર્ચ લગભગ 7,000 રૂપિયા છે. હ્યૂમન મેટાન્યૂમોવાયરસ આરટી પીસીઆર ટેસ્ટ ડૉ. લાલ પેથલેબ્સ, ટાટા 1MG લેબ્સ અને મેક્સ હેલ્થકેર લેબ જેવી ટોચની ખાનગી લેબમાં 3,000થી 8,000 રૂપિયાની વચ્ચે થઈ શકે છે. આમાં HMPV, એડેનોવાયરસ, કોરોનાવાયરસ 229E અને કોરોનાવાયરસ HKU1 જેવા સંક્રમણ પણ સામેલ છે. કુલ ખર્ચ 20,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?