Weather Update: દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગનું ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે
IMD Weather Update News: દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે લોકોને ગરમીમાં રાહત મળશે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. તે સિવાય રાજ્યમાં આજથી બે દિવસ ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તે સિવાય માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ,મેહસાણા, બનાસકાંઠા,સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં વરસાદની આગાહી કરવાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના રાજ્યો, જે ગરમીને કારણે શેકાઈ રહ્યા હતા ત્યાં ગુરુવારે મોડી રાત્રે જોરદાર પવન અને વરસાદના કારણે તાપમાનનો પારો ઝડપથી નીચે આવ્યો. મોડી રાત્રે પડેલા વરસાદને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગે પહેલાથી જ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી. આજે સવારથી દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ છે.
જ્યારે આ વરસાદથી મેદાની રાજ્યોમાં ગરમીમાંથી રાહત મળી છે, ત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીએ ત્યાંના નાગરિકોને ચિંતામાં મૂક્યા છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ભૂસ્ખલનની પ્રબળ સંભાવના છે. આ વરસાદની અસર રાજ્યમાં ચાલી રહેલી ચાર ધામ યાત્રા પર પડી શકે છે.
ક્યાં-કેટલો ગગડ્યો પારો?
દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (25 મે) રાત્રે 8 વાગ્યે વરસાદે ગરમીથી પરેશાન શહેરને રાહત આપી હતી. અચાનક પારો નીચે ગયો. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. હરિયાણામાં 25 મેના રોજ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વરસાદની સાથે 50 કિમીની ઝડપે પવન ફુંકાતા રાજ્યમાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં પણ હિમવર્ષા જોવા મળી હતી. ઘણા સ્થળોએ, વાવાઝોડા, વીજળી અને ભારે પવનની આગાહી કરતી ચેતવણી જારી કરવામાં આવી હતી. શિમલા અને આસપાસના વિસ્તારોમાં કરા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો.
આગળ હવામાનની શું સ્થિતિ રહેશે?
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે, તેથી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.