India US trade tensions: ભારત ટ્રમ્પના ટેરિફ બોમ્બનો જવાબ ડબલ ટેરિફથી આપશે? વિદેશ મંત્રાલયે કહી આ વાત
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તાજેતરમાં ટેરિફ વિવાદને કારણે તણાવ જોવા મળી રહ્યો છે.

India US trade tensions: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હોવાના અહેવાલો વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે મહત્વની સ્પષ્ટતા કરી છે. મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટ દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત ટ્રમ્પના આ પગલાના જવાબમાં કોઈ વળતી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું નથી. તેના બદલે, બંને દેશો વચ્ચે વેપાર સંબંધો સુધારવા માટે વાતચીત ચાલી રહી છે. આ વાટાઘાતોનો આગામી રાઉન્ડ 24 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાશે.
વિદેશ મંત્રાલયે અફવાઓને ફગાવી
આ ઘટનાક્રમ પછી સોશિયલ મીડિયા પર એવા અહેવાલો ફેલાયા હતા કે ભારત પણ અમેરિકાના આ ટેરિફનો જવાબ આપવા માટે તૈયાર છે અને તે અમેરિકા દ્વારા મુક્તિ આપવામાં આવેલી વસ્તુઓની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે 'X' (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવી કોઈ યોજના હાલમાં વિચારણા હેઠળ નથી.
આ ઉપરાંત, વિદેશ મંત્રાલયે એ અહેવાલોને પણ ખોટા ઠેરવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો અમેરિકાની 'પ્રતિકૂળ આર્થિક નીતિઓ' ચાલુ રહેશે તો ભારત અમેરિકા સાથેના તેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાનું વિચારી રહ્યું છે.
This is FAKE News!#MEAFactCheck https://t.co/3dyvVcOYtA
— MEA FactCheck (@MEAFactCheck) August 3, 2025
દ્વિપક્ષીય વાટાઘાટો ચાલુ
અહેવાલો અનુસાર, બંને દેશો આ તણાવપૂર્ણ પરિસ્થિતિને ઉકેલવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે હાલમાં વર્ચ્યુઅલ માધ્યમથી વાટાઘાટો ચાલી રહી છે. આ વાટાઘાતોનો છઠ્ઠો અને નિર્ણાયક રાઉન્ડ 24 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાશે, જેમાં અમેરિકાનું ટ્રેડ વાટાઘાત ટીમ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન બાકી રહેલા વેપાર સંબંધિત મુદ્દાઓને ઉકેલવા પર ભાર મૂકવામાં આવશે.
ટ્રમ્પનો આકરો હુમલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર ભારત પર તીખો હુમલો કરતા લખ્યું હતું કે, "ભલે ભારત અમારો મિત્ર હોય, અમે વર્ષોથી તેમની સાથે ખૂબ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે." તેમણે રશિયા સાથેના ભારતના સંબંધોની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે બંને દેશોએ "તેમની મૃત્યુ પામેલી અર્થવ્યવસ્થાઓ સાથે ડૂબી જવું જોઈએ."





















