Raja Raghuvanshi Murder: લગ્નના સાત દિવસમાં જ સોનમે પતિના મર્ડરની બનાવી હતી યોજના, થયો ચોંકાવનારો ખુલાસો
Raja Raghuvanshi Murder: આ હત્યા એક સુનિયોજિત કાવતરાનો ભાગ હતી, જેને સોનમે તેના પ્રેમી અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર સાથે મળીને અંજામ આપ્યો હતો

Raja Raghuvanshi Murder: સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશીની હનિમૂન ટ્રીપ હવે દેશની સૌથી ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી બની ગઈ છે. ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યાના કેસમાં તેની પત્ની સોનમ રઘુવંશીની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યા એક સુનિયોજિત કાવતરાનો ભાગ હતી, જેને સોનમે તેના પ્રેમી અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર સાથે મળીને અંજામ આપ્યો હતો. ઇન્દોરની સોનમ રઘુવંશીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મેઘાલય પોલીસનો દાવો છે કે સોનમ અને રાજ કુશવાહાના સંબંધોને કારણે મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ કિલર પણ તેમાં સામેલ છે. હવે આ હત્યા અંગે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.
હત્યાનું કાવતરું 18 મેના રોજ ઘડવામાં આવ્યું હતું
સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ થયા હતા અને લગ્નના માત્ર સાત દિવસ પછી એટલે કે 18 મેના રોજ, સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ રાજાની હત્યા કરવાની યોજના બનાવી હતી. સોનમ અને રાજ પહેલાથી જ પ્રેમ સંબંધમાં હતો.
સોનમ અને રાજા 20 મેના રોજ તેમના હનિમૂન માટે મેઘાલય જવા રવાના થયા. 22 મેના રોજ તેઓ માવલાખિયાત ગામ પહોંચ્યા, જ્યાંથી તેઓ બીજા દિવસે સ્કૂટર પર નીકળ્યા હતા. 24 મેના રોજ તેમનું સ્કૂટર એક કાફેની બહાર મળી આવ્યું હતું. ત્યારબાદ તેમની શોધ શરૂ થઈ. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ શિલોંગ નજીક Wei Sawdong Falls પાસે એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો હતો. તેની ઓળખ તેના હાથ પર 'રાજા' નામના ટેટૂ અને સ્માર્ટવોચ દ્વારા કરવામાં આવી હતી.
હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ
રાજ કુશવાહાએ હત્યાને અંજામ આપવા માટે ત્રણ કોન્ટ્રાક્ટ કિલર વિશાલ ચૌહાણ, આનંદ કુમાર અને આકાશ રાજપૂતને રાજાની હત્યા માટે તૈયાર કર્યા હતા. વિશાલ અને કુશવાહાની ઇન્દોરથી, આનંદની સાગર (મધ્યપ્રદેશ)થી ધરપકડ કરવામાં આવી હતી. સોનમની કોલ ડિટેલ્સ પરથી જાણવા મળ્યું કે તે રાજ કુશવાહાના સતત સંપર્કમાં હતી અને તેણે હત્યારાઓ સાથે તેનું લાઈવ લોકેશન પણ શેર કર્યું હતું.
SIT એ હત્યાના કાવતરાની પુષ્ટી કરી
મેઘાલય પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કેસની તપાસ કરી અને જાણવા મળ્યું કે રાજાની હત્યા તીક્ષ્ણ હથિયારથી માથા પર મારીને કરવામાં આવી હતી. SIT ચીફ હર્બર્ટ ખારકોંગોરના જણાવ્યા અનુસાર, રાજાના માથા પર બે ઊંડા ઘા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
સોનમ 9 લાખ રૂપિયા અને બધા ઘરેણાં લઈ ગઈ હતી
રાજાની માતા ઉમા રઘુવંશીએ જણાવ્યું હતું કે સોનમે હનિમૂન માટે રાજા પાસેથી 9 લાખ રૂપિયા લીધા હતા અને આગ્રહ કરીને બધા ઘરેણાં પણ પોતાની સાથે લઈ ગઇ હતી. તેણીએ દાવો કર્યો હતો કે સોનમે બધું અગાઉથી આયોજન કર્યું હતું.
હત્યા પછી સોનમ ફરાર થઈ ગઈ હતી. લગભગ બે અઠવાડિયાની શોધખોળ પછી 3 જૂને સવારે 1 વાગ્યે તેણે યુપીના ગાઝીપુર જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવી અને પૂછપરછ શરૂ થઇ હતી.





















