મહારાષ્ટ્રમાં વપરાયેલા માસ્કનો જે ઉપયોગ કરાતો હતો એ જાણીને લાગી જશે આઘાત, હવે આ વસ્તુ ખરીદતાં પહેલાં વિચારજો
નોંધવાલાયક વાત એ છે કે આખા દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને ત્યાંની સ્થિતિ અતિ વિકટ છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં જલગાંવ જિલ્લામાં પોલીસે એક ગાદલા બનાવતી કંપની સામે કેસ દાખલ કર્યો છે. કંપની પર આરોપ છે કે તે ગાદલામાં રૂની જગ્યાએ ફેંકી દેવાયેલા માસ્ક ભરવામાં આવી રહ્યા હતા.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે જલગાંવ સ્થિત પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર મેટ્રેસ સેન્ટરમાં કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે. પોલીસે જ્યારે ફેક્ટરી પર રેડ પાડી તો જોયું કે ફેક્ટરીમાં ગાદલામાં રૂની જગ્યાએ ઉપયોગમાં લઈને ફેંકી દેવામાં આવેલ માસ્ક ભરવામાં આવી રહ્યા હતા.
આ મામલે પોલીસે ફેક્ટરીના માલિક અમજદ મન્સૂરી સામે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. રેડ પાડ્યા બાદ પોલીસે ફેક્ટરીમાં પડેલા બાકીના માસ્કનો નાશ કર્યો હતો.
ગાદલામાં રૂના બદેલ ઉપયોગમાં લેવાયેલ માસ્કનો ઉપયોગ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ પ્રકારની સમગ્ર ભારતમાં આ પ્રથમ ઘટના છે.
નોંધવાલાયક વાત એ છે કે આખા દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને ત્યાંની સ્થિતિ અતિ વિકટ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર નજીક હોઈ ગુજરાત પણ કોરોનાની ખરાબ પરીસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આપણે સરકારોને, તંત્રને, હોસ્પિટલ વ્યવસ્થાપકોને, પબ્લિકને કેટલાયને દોષ આપીએ છીએ ત્યારે આ શખ્સ જેવા લોકો માનવતાના દુશ્મન બને છે અને આ તમામની મહેનત પર પાણી ફેરવી દે છે.
મહારાષ્ટ્રમાં કોરોના કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોભયજનક રીતે વધી રહ્યાં છે. આજે 12 એપ્રિલે રાત્રે 9 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 51,751 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 258 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ પહેલા રવિવારે રેકોર્ડ 63,294 નવા કેસ નોંધાયા હતા અને 349 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 34,58,996 લોકોને કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે અને કુલ 58,245 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.